15,425 મહિલા ડોક્ટરોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સરકારે 436 કરોડનો ખર્ચ કર્યો
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી છે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તિકરણ મહત્વપૂર્ણ છે’. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સરકારે એક સમાવેશી અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ (વીમેન લેડ ડેવલપમેન્ટ) માટે ઘણા નક્કર પગલાં લીધાં છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેઓએ દર્શાવેલા પથ પર આગળ વધતા રાજ્યમાં શિક્ષણ પ્રણાલીને ઉન્નત બનાવવા તેમજ તમામ માટે અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવાના પ્રયાસ કર્યા છે. રાજ્ય સરકારે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી અનેક પહેલ કરી છે.
મેડિકલ ક્ષેત્રે (MBBS)માં પોતાની કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે ગુજરાત સરકારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ (MKKN) શરૂ કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યમાં અસંખ્ય મહત્વાકાંક્ષી ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના સપનાંને સાકાર કરી રહી છે.
વર્ષ 2017-18માં MKKN યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં રાજ્યએ ₹436.02 કરોડના કુલ ખર્ચે 15,425 તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહયોગ પૂરો પાડ્યો છે. રાજ્યની સ્પોન્સરશિપ દ્વારા છોકરીઓ માટે ફીના લગભગ 50% ચૂકવવામાં આવે છે. આશરે 4674 લાભાર્થીઓ સામાજિક રીતે પછાત વર્ગના છે.
આ પ્રોગ્રામ હેઠળ, રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની મહિલા વિદ્યાર્થિનીઓ માટે 50% પ્રવેશ ફી રાજ્ય દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે, જેઓ તેમના NEET સ્કોરના આધારે MBBSમાં પ્રવેશ મેળવે છે, અને આ સહાય માટે તેમના કોમ્યુનિટી બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેવામાં આવતું નથી.
SBKS મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર, વડોદરા ખાતે MBBSમાં અભ્યાસ કરતા નેહલબેન નટવરભાઈ પ્રજાપતિ કહે છે કે, “મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાને કારણે હું ડૉક્ટર બનવાના મારા સપનાને સાકાર કરી શકી છું. અમારી આર્થિક પરિસ્થિતિ એવી કંઇ સદ્ધર નહોતી અને તેથી મારી પસંદગીનો અભ્યાસ કરવો મારા માટે ઘણું મુશ્કેલીભર્યું હતું.
જ્યારે મને આ યોજના વિશે જાણ થઈ, ત્યારે મેં તેના માટે અરજી કરી અને હું તેમાં પાસ થઈ ગઇ. આ યોજનાને કારણે, મને મારા શિક્ષણ માટે ગુજરાત સરકાર તરફથી રૂ.27,64,000 મળ્યા છે.”
રાજ્ય સરકાર મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના દ્વારા વર્ષ 2023-24માં વધુ 4000 લાભાર્થીઓને ટેકો આપવા માટે ₹140 કરોડનું બજેટ ફાળવી રહી છે. તેના દ્વારા રાજ્યની 39 મેડિકલ કોલેજોમાં ભણતી વિદ્યાર્થિનીઓને MBBS ના તેમના અભ્યાસમાં મદદ મળશે.
આપણા દેશમાં વિકાસ માટે દીકરીઓનું શિક્ષણ મહત્વપૂર્ણ છે. આજના પ્રગતિશીલ સમાજમાં, જાતીય અસમાનતાને પડકારવી મહત્વની છે, જે મહિલાઓની કારકિર્દીમાં અવરોધરૂપ બને છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે મહિલા કેન્દ્રિત વિકાસ માટે એક લાખ કરોડનો આંકડો પાર કરીને સૌથી વધુ બજેટ ફાળવ્યું છે, જે રાજ્યમાં ‘મહિલા શક્તિ’ના ઉત્થાન માટેના સમર્પિત પ્રયાસો અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.