રાજ્યપાલે સૌ ગુજરાતીઓ અને ભારત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી

૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગુજરાતીઓ અને દેશવાસીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાર્દિક શુભકામના
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ રહી છે અને ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવથી શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણની નવી ચેતનાની અનુભૂતિ કરી રહ્યો છે ત્યારે ‘પંચ પ્રણ’ લેવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે.
ગુજરાતના નાગરિકોને આહ્વાન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, દેશના અમૃત કાળ માટે આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે અથાગ પરિશ્રમ કરીશું. ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નેસ્તનાબૂદ કરીશું. આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ અનુભવીશું અને તેનું જતન કરીશું. આપણા દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું. રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોનું ચુસ્ત પાલન કરીશું.