કેન્સરને કારણે પરિવારના સભ્યને ગુમાવ્યા બાદ શરૂ થયું આ ગ્રુપ: જે લોકોને આત્મ નિર્ભર કરવામાં મદદ કરે છે
કેન્સરગ્રસ્તોના પરિવારને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થતું ‘માલતી ગ્રુપ’
અમદાવાદ, પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા ૪પ વર્ષીય ક્રિના શાહ અને તેમના મિત્રો સાથે મળીને માનવ સેવાનું કામ કરી રહ્યા છે. અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં કેન્સરની સારવાર થતી હોય ત્યાં જઈ તેમના પરિવારજનો આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે મદદ કરે છે.
ક્રિના શાહે કહ્યું કે મેં આ કાર્યની શરૂઆત ૮ વર્ષ પહેલાં કરી હતી. આ કાર્ય કરવાની પ્રેરણા મને મારા સાસુને જ્યારે કેન્સરની બીમારી થઈ પરંતુ તેમની સારવાર ન કરાવી શકવાને કારણે અમે તેમને ગુમાવ્યા હતા. આ ઘટના બાદ કેન્સરગ્રસ્ત લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં હું જાતે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેતી હતી અને મારાથી બનતી મદદ કરતી હતી.
હું જે પરિવારને મદદ કરતી તેમની સમયાંતરે ફરી મુલાકાત કરતી હતી. આ રીતે કેન્સર પીડિત લોકોની સેવા કરવાની શરૂઆત કરી હતી. થોડા સમય પહેલાં મેં મારી આસપાસ રહેતા મિત્રો સાથે આ કાર્ય વિશે વાત કરી અને ત્યારથી અમે માલતી ગ્રુપ બનાવીને જરૂરિયાતમંદ લોકો કે જે કેન્સરની સારવાર લેતાં હોય તેમને મદદ કરવાની શરૂ કર્યું.
આ સાથે નિયમિત તેમની સારવારની માહિતી પણ રાખીએ છીએ. આ ઉપરાંત બહારથી સારવાર માટે આવતા પરિવારને યોગ્ય માહિતી તેમજ તેમનો પરિવાર રોજગારી મેળવી શકે તે માટે પ્રયત્ન કરીએ છીએ. આ ઉપરાંત અમે શહેરના વિવિધ ઘરડા ઘર સાથે જોડાયેલા છીએ.
જેમાં અમે વડીલો માટે નિયમિત વિવિધ કાર્યક્રમ કરીએ છીએ. આ સાથે તેમની ક્ષમતા મુજબના કાર્યોની તાલીમ આપીએ છીએ જેથી તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અત્યારે મારી સાથે ૩૦ જેટલા મિત્રો જોડાયેલા છે.