GSRTC બસે કારને ટક્કર મારતા કારમાં ફસાયેલા વ્યક્તિને પતરુ કાપી બહાર કઢાયો
ભરૂચ – અંક્લેશ્વર રોડ પર એસટી બસે કારને ટક્કર મારતા અકસ્માત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસને બે વર્ષ બાદ પરવાનગી અપાયા બાદ પ્રથમ અકસ્માત સર્જાયો છે. જેમાં પુરઝડપે આવતી અંક્લેશ્વર થી ભરૂચ તરફ આવતી એસટી બસે કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી અન્ય કારમાં ઘુસી ગઈ હતી.
જેથી ત્રિપલ અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ડિવાઈડર વચ્ચેનો વીજ પોલ તૂટી પડ્યો હતો.જ્યારે અકસ્માતમાં વચ્ચે રહેલી કાર સેન્ડવીચ બનતા કારમાં સવાર લોકોને ઈજા થઈ હતી.તો કારમાં ફસાયેલા એક વ્યક્તિને પતરુ કાપી બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે.જેના પરથી ભારદારી વાહનોની અવરજવર જાેખમી સાબિત થઈ રહી છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો.
જાેકે બે વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.ત્યારે આ મંજૂરી લોકો સામે જીવનું જાેખમ ઊભું કરી રહી હોય તેવું જાેવા મળી રહ્યું છે અને મંજૂરી મળ્યા બાદ એસટી બસનો પ્રથમ અકસ્માત સર્જાયો છે.
જેમાં રવિવારના રોજ વરસાદ વચ્ચે પ્રથમ અકસ્માત સર્જાયો હતો.જેમાં પુર ઝડપે આવતી એસટી બસે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર તેના આગળ ચાલતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત એટલો ભયંકર હતો કે વચ્ચે રહેલી કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો જેથી કાર સેન્ડવીચ બની ગઈ હતી.
જ્યારે આગળ રહેલી કાર ડિવાઈડર પર રહેલ સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ભટકાતા વીજ પોલ પણ ધરાશાય થયો હતો.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા તો બીજી તરફ ૧૦૮ ઈમરજન્સીની ટીમ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.