Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મે તેની  રિલીઝ પહેલા જ ઇતિહાસ સર્જ્યો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવ લેવા જેવી ફિલ્મ “વર પધરાવો સાવધાન” 07મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે

સાવધાન ! અરે જરા પણ ગભરાશો નહિ,  આ તો નિર્માતા શૈલેષ ધામેલીયાની આગામી બહુચર્ચિત ફિલ્મનું શીર્ષક છે “વર પધરાવો સાવધાન” એટલે જરા મૉટેથી બોલાઈ ગયું “સાવધાન”..

ફિલ્મનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. શીર્ષક પરથી વાર્તા શું હશે તેનું અનુમાન લગાવી શકાય. લગ્ન બાદ કન્યા વિદાયની પ્રથાથી વિપરીત અહીં વર વિદાયની વાત છે. લગ્ન મંડપમાં ગોરદાદાને  “કન્યા પધરાવો સાવધાન” બોલતા તો આપણે સૌએ સાંભળ્યા છે,  પણ આ ફિલ્મમાં “વર પધરાવો સાવધાન” બોલતા જોવા મળશે.

ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે અને તેમાં સોશ્યલ મેસેજ પણ જોવા મળી શકશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ની એક માત્ર ગુજરાતી સફળ ફિલ્મ “કેમ છો?”ના મેકર્સ દ્વારા “વર પધરાવો સાવધાન” 07મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આર્ટમેન ફિલ્મ્સ અને ડિવાઇન એક્સેલેન્સ પ્રસ્તુત “વર પધરાવો સાવધાન” ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઇતિહાસ સર્જવા તૈયાર છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે 07મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે.

વાહ ! ગઝબ છે ને ! સાઉથની સુપરહિટ ફિલ્મ “વિક્રાંત રોના”ના મેકર્સ “શાલિની આર્ટ્સ” દ્વારા “વર પધરાવો સાવધાન” કન્નડ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ ગૌરવ લેવા જેવી વાત છે.

ફિલ્મ “વર પધરાવો સાવધાન” 07મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા છે ‘શૈલેષ ધામેલીયા’, ‘અનિલ સંઘવી’ અને ‘ભરત મિસ્ત્રી’. ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે ‘વિપુલ શર્મા’. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં ‘તુષાર સાધુ’ અને ‘કિંજલ રાજપ્રિયા’ જોવા મળશે.

સાથે સાથે રાગી જાની  અને કામિની પંચાલ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, પ્રશાંત બારોટ, કૃણાલ ભટ્ટ, રિધમ રાજ્યગુરુ, રિષભ ઠાકોર, અંશુ જોશી તથા માનસી ઓઝા  પણ જોવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિ એ આપ્યું છે અને આદિત્ય ગઢવી, સાંત્વની તથા જીગરદાન ગઢવી જેવા દિગ્ગજ ગાયકો એ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે. તો 07મી જુલાઈએ થિયેટરમાં નિહાળવાનું ચૂકતા નહિ “વર પધરાવો સાવધાન” – રાજેશ પી. હિંગુ
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.