બે દેશોના વડા વ્યક્તિગત મુદ્દાની ચર્ચા કરતા નથી

વોશિગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક દરમિયાન તેમણે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકાએ લગાવેલાં લાંચના આક્ષેપોની ચર્ચા નહોતી કરી.
વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એક પત્રકારે વડાપ્રધાન મોદીને પ્રશ્ન કર્યાે હતો કે શું તેમણે ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન અદાણી અને તેમના મહત્વના સહયોગીઓ સામે કથિત લાંચના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો કે કેમ?આ પ્રશ્નનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત એક લોકશાહી દેશ છે અને અમારી સંસ્કૃતિ અને વિચારોની ફિલોસોફી ‘વસુધૈવ કુટુમ્બકમ’ની છે.
અમે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ. હું દરેક ભારતીયને પોતાના માનું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વના બે નેતાઓ મળે ત્યારે આ પ્રકારની વ્યક્તિગત બાબતોની ચર્ચા નથી કરતાં. બે દેશના ટોચના નેતાઓ ક્યારેય વ્યક્તિગત મુદ્દે વાત નથી કરતાં તેમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે પણ પ્રેસ સાથેની વાતચીતમાં આ કેસનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યાે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના કથિત ભ્રષ્ટાચારને છાવરવાનો આક્ષેપ કર્યાે છે. એક્સ પર એક પોસ્ટમાં રાહુલે જણાવ્યું હતું કે, દેશમાં જ્યારે વડાપ્રધાનને પ્રશ્ન પુછવામાં આવે છે ત્યારે તેઓ મૌન ધારણ કરી લે છે અને જ્યારે વિદેશમાં સવાલ કરાય ત્યારે તેઓ તેને વ્યક્તિગત મામલો હોવાનું જણાવે છે.
અમેરિકામાં પણ મોદીજીએ અદાણીજીના ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કર્યાે. મિત્રના ખિસ્સાં ભરવાએ મોદીજી માટે રાષ્ટ્ર નિર્માણ હોય ત્યારે લાંચ લેવી અને દેશની સંપત્તિ લૂંટવી એ વ્યક્તિગત બાબત બની જાય છે.SS1MS