જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હવે અલ્હાબાદ હાઈકોર્ટમાં ૩૦ નવેમ્બરે સુનાવણી
વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ વારાણસી કોર્ટની સાથે સાથે અલ્લાહાબાદ હાઇકોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. અગાઉ વારાણસી કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગના કાર્બન ડેટિંગની માગ કરતી અરજીને નકારી દેવાઇ હતી, જેની સામે હવે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાઇ છે. હાઇકોર્ટમાં ૩૦મી નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવશે.
લક્ષ્મી દેવી અને અન્યો દ્વારા આ સમગ્ર મામલે રીવિઝન અરજી કરવામાં આવી છે. જે અંગે સુનાવણી થઇ હતી અને ન્યાયાધીશ જેજે મુનિર દ્વારા વધુ સુનાવણી માટે ૩૦મી તારીખ નક્કી કરવામાં આવી છે. આ પહેલા ૧૪મી ઓક્ટોબરના રોજ વારાણસી ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશ દ્વારા શિવલિંગના કાર્બન ડેટિંગની માગ કરતી અરજીને ફગાવી દેવાઇ હતી.
નીચલી કોર્ટ દ્વારા અરજી નકારતી વખતે હિન્દુ પક્ષકારોને એમ જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે શિવલિંગની સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ ન કરવાનો આદેશ આપ્યો છે, આ સ્થિતિ વચ્ચે તેનું કાર્બન ડેટિંગ શક્ય નથી. તેથી હવે હિન્દુ પક્ષકારો દ્વારા નીચલી કોર્ટની સામે ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.HS1MS