હાઈકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટનું નામ બદલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કર્યું
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટનું નામ બદલીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ સિટી કરવા જાહેર નોટિસ બહાર પાડી છે. આ ફેરફાર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઈન્ડિયન સિવિલ સિક્રયોરિટી કોડ)ના અમલીકરણ સાથે ૧ જુલાઈ, ૨૦૨૪થી અમલમાં આવશે. કોર્ટે જાહેરાત કરી છે કે તમામ હાલની મેટ્રોપોલિટન કોર્ટને નવા નામકરણ હેઠળ ફરીથી નિયુક્રત કરવામાં આવશે.
નોંધનીય છે કે નવા કાયદા અમલમાં આવતા અને હવે સીઆરપીસી નહીં રહેતા આ ફેરફાર અમલી થયા છે. જાહેરનામા મુજબ ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટનું નામ બદલીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ સિટી કરવામાં આવશે તેમજ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ શહેરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ બનશે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટનું નામ બદલીને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ સિટી કરવામાં આવશે. અન્ય મેટ્રોપોલિટન કોર્ટના નંબરોનું નામ બદલીને ફર્સ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને તેથી વધુ કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે આ હોદ્દા સાથે નવી યાદી જાહેર કરી છે. એ જ રીતે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછીના તમામ વધારાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને તેમની સંખ્યા અનુસાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પુનઃ નિયુક્રત કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે, સેકન્ડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને સેકન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સિટી કહેવામાં આવશે. ભારતીય નાગરિક સુરક્ષા કોડમાં મેટ્રોપોલિટન સિટી, મેટ્રોપોલિટન કોર્ટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ માટેની જોગવાઈઓ સામેલ નથી. હાઈકોર્ટની સલાહ બાદ કાયદા વિભાગે જાહેર નોટિસ જારી કરી હતી અને હવે ગુજરાત હાઈકોર્ટે સત્તાવાર રીતે નામ બદલવાની જાહેરાત કરી છે.SS1MS