Western Times News

Gujarati News

જમીન સંપાદનના ૫૦ વર્ષ બાદ વળતરના કેસને હાઇકોર્ટ ફગાવી દીધો

અમદાવાદ, ૧૯૭૦માં ઉકાઇ ડેમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન બાદ હવે ૨૦૨૪માં હાઇકોર્ટ સમક્ષ આવીને વળતર ન મળ્યું હોવાનો દાવો કરનારા અરજદારને હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. ૫૦ વર્ષ બાદ સંબંધિત કલેક્ટરને લિગલ નોટિસ પાઠવીને એના આધારે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરનારા એડવોકેટને ખંડપીઠે એવી વેધક ટકોર કરી હતી કે, આવી રીતે રિટ કરવાની એડવોકેટની પદ્ધતિ અનૈતિક છે.

ફરી આવું થશે તો બાર કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવશે. અમે તમારા માટે કલેક્ટર પાસેથી પુરાવા મગાવી શકીએ નહીં. હાઇકોર્ટ સમક્ષ ૮૫ વર્ષીય વૃદ્ધ તરફથી એક અરજી કરાઈ હતી. જેમાં એવો દાવો કરાયો હતો કે, તેઓ અમુક જમીન ઉકાઇ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી.

તેનું વળતર ૧૯-૨-૧૯૭૦માં ચૂકવાયું હતું. તાપી નદી પર ઉકાઇ ડેમ બનાવવા માટે ૧૨ સર્વે નંબરની જમીન સંપાદિત કરાઇ હતી અને ૧૯૭૨માં આ ડેમ બનાવવામાં આવ્યો હતો. રિટમાં કહેવામાં આવ્યું હતું કે, સંબંધિત જમીનનું સંપાદન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું, પરંતુ પૂરતું વળતર અરજદારને મળ્યું નથી. આ પ્રોજેક્ટના અસરકર્તા તમામ અરજદારોને વૈકલ્પિક જમીન પણ ફાળવવામાં આવી હતી, પરંતુ અરજદાર અને અન્ય ૧૧ જણને વૈકલ્પિક જમીન મળી નહોતી.આ પ્રકારની રજૂઆત સાથેનો દાવો રિટમાં કરવામાં આવ્યો છે.

જોકે, આ રિટમાં જે દાવો છે એ વિરોધાભાસી જણાય છે. જો અરજદારનું એ નિવેદન માન્ય પણ રાખવામાં આવે કે, ૧૯૭૦માં જમીન સંપાદન માટેનું વળતર તેને મળ્યું નથી તો પણ તેવા સંજોગોમાં હવે તે આ તબક્કે અરજી કરી શકે નહીં. જમીનનું સંપાદન હંગામી પ્રકારનું હતું.

એવી દલીલ અરજદાર તરફથી એડવોકેટે કર્યું હતું. આ અરજી અરજદાર તરફથી ૨૦૨૪માં લિગલ નોટિસ આ મામલે પાઠવવામાં આવી હતી. જે લગભગ ૫૦ વર્ષ બાદ પાઠવવામાં આવી છે. આ પ્રકારની લિગલ નોટિસના આધાર બનાવી કરાયેલી રિટ પિટિશન ટકી શકે નહીં.

તેથી રિટને રદબાતલ કરવામાં આવે છે. આ રિટમાં આદેશ બાદ હાઇકોર્ટે એવી ગંભીર ટકોર કરી હતી કે,‘અરજદાર પક્ષે એડવોકેટ દ્વારા કલેક્ટરને લિગલ નોટિસ પાઠવીને હાઇકોર્ટ સમક્ષ કેસ કરવામાં આવે એ એડવોકેટના પક્ષે સંપૂર્ણપણે અનૈતિક વર્તન છે.

આ રીતે તમે કેસ ઊભો કરી શકો નહીં. એડવોકેટે આ મામલે સાવચેત રહેવું જોઇએ. જો હવે પછીથી આવી રીતે કોઇ રિટ પિટિશન કરવામાં આવશે તો બાર કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.