૧૫ કિલો ગાંજાના કેસમાં ૬૦ વર્ષના વૃદ્ધાને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/gujarat-high.jpg)
અમદાવાદ, ૧૫ કિલો ગાંજાના કેસમાં અમદાવાદ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં હાઇકોર્ટે ૬૦ વર્ષની વૃદ્ધાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને અરજદાર આરોપી ૬૦ વર્ષની વૃદ્ધ મહિલા છે.
ગુનામાં તેમની ભૂમિકા એવી હતી કે ૧૫ કિલો ગાંજો તેમની પાસેથી પકડાયો હતો. તમામ સંજોગોને ધ્યાનમાં લેતાં અને ખાસ કરીને અરજદાર વૃદ્ધાની વય જોતાં જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે.
અરજદાર વૃદ્ધાને રૂપિયા ૧૦ હજારના પર્સનલ બોન્ડ અને એટલી જ કિંમતના સ્યોરિટી પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત કેસમાં અગાઉ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહિલા અરજદારની જામીન અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે જામીન રદ કરતાં એવું ઠરાવ્યું હતું કે, પોલીસે બાતમીના આધારે આ મહિલાને પકડી હતી અને તેમની પાસેથી ૧૫ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થો મોટો હતો અને હાલ ટ્રાયલ ચાલુ છે. તેથી આરોપી મહિલાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે યોગ્ય કારણ નથી. તેને આંખમાં તકલીફ હોવાની દલીલ કરવામાં આવી છે, પરંતુ જો જેલરને યોગ્ય સૂચના આપવામાં આવે તો તેમની સારવાર શક્ય છે.
આ આદેશથી નારાજ થઇ અરજદાર મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટ સમક્ષ એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, મહિલાની ઉંમર ૬૦ વર્ષની છે અને સમાજમાં એમની સારી પ્રતિષ્ઠા પણ છે. તેથી હાલના સંજોગોને ધ્યાનમાં લેતાં તેને અચોક્ક્સ મુદત માટે જેલમાં રાખવી યોગ્ય નથી. કોર્ટ દ્વારા જે શરતો સાથે તેને જામીન આપવામાં આવશે એ તેને માન્ય રહેશે અને તેનું પાલન કરશે.
જોકે, રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને ગુનાની ગંભીરતા જોતાં જામીન નહીં આપવાની દલીલ કરી હતી. બંને પક્ષોની રજૂઆત અને કેસમાં સામે આવેલા તથ્યોને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે અરજદારને જામીન આપતાં આદેશમાં નોંધ્યું હતું કે,‘અરજદારની ઉંમર ૬૦ વર્ષની છે અને એ બાબતને ધ્યાને લેતાં હાલના તબક્કે તેની અરજીને ગ્રાહ્ય રાખી તેમના જામીન મંજૂર કરવામાં આવે છે.’SS1MS