પતિએ ઝઘડો કરીને પત્નીની આંગળી બચકું ભરી કાપી નાંખી
શહેરના સરદાનગર વિસ્તારમાં રહેતા દંપત્તી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ફટકારી હતી
અમદાવાદ, શહેરના સરદાનગર વિસ્તારમાં રહેતા દંપત્તી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ફટકારી હતી અને ત્યારબાદ આંગળી પર બચકું ભરી કાપી નાંખી હતી. જેથી પત્નીને અર્ધ કપાયેલ આંગળી સાથે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબે મહિલાની આંગળી કાપવાની ફરજ પડી હતી. આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
શહેરના સરદારનગર વિસ્તારમાં ૪૦ વર્ષીય કિરણદેવી કરણસિંહ નાયક બે વર્ષથી પરિવાર સાથે રહે છે અને તેમના જેઠ જનકભાઇના ત્યાં નોકરી કરે છે. જ્યારે પતિ કરણસહિં કલરકામ કરે છે. ૨૩મીના રોજ સાંજે છ વાગ્યે દીકરા મોહિત સાથે કરણદેવી ઘરે આવતી હતી. ત્યારે પડોશી યુવતી મળતા તે તેની સાથે વાત કરવા માટે ઉભી રહી હતી. ત્યારે પતિ ઘરે આવ્યો હતો. જેથી કિરણદેવી પડોશીની દીકરી સાથે વાત પુરી કરી ઘરે આવી ગઇ હતી.
ત્યારે મોડી રાત્રે પતિએ જણાવ્યું હતું કે, રસ્તામાં કોની સાથે વાત કરતી હતી. ઉપરાંત પત્ની પર શંકા કરી પતિએ ગાળો બોલી હતી. પત્નીએ ગાળો ન બોલવા જણાવતા પતિ ઉશ્કેરાયો હતો અને માર મારવા લાગ્યો હતો. ત્યારે બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારે પતિએ આંગળી પર બચકું ભરતા આંગળીનો અમૂક ભાગ અલગ થઇ ગયો હતો અને લોહી નિકળવા લાગ્યું હતું.
આ સમયે બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને પછી કિરણદેવીને સિવિલ હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબે આંગળી કાપવી પડી હતી. આ મામલે કરણસેવીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તપાસ આદરી છે.