દીકરીનો જન્મ થતાં ખર્ચો ન આપવો પડે તેથી પતિ અમેરિકા ભાગી ગયો
અમદાવાદ, મેટ્રો સિટી અમદાવાદમાં પણ મહિલાઓ પર થતાં અત્યાર ઘટવાના બદલે દિવસ જતાં વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ૨૧મી સદીમાં પણ દહેજ પ્રથા તેમજ દીકરીને જન્મ આપવાને લઈને મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા અટકી રહી નથી.
શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિ, સાસુ-સસરા તેમજ દિયર સામે સેટેલાઈટ પોલીસ સમક્ષ દહેજ અને ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી. લગ્ન બાદ સાસુ તેના પિતા પાસેથી ઘર અને કારની માગણી કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આટલું જ નહીં તેણે તેમ પણ કહ્યું હતું કે, લગ્નમાં તેના પિતાએ તેને ભેટમાં ચાંદીની ફોટોફ્રેમ આપી હતી, જે જાેઈને તેના સાસુના મનમાં વધુ લાલચ જાગી હતી અને વધુ સંખ્યામાં ફોટોફ્રેમ પિયરમાંથી લઈ આવવા માટે દબાણ કરતાં હતા. તે પોતાને ભાવતું ભોજન ન બનાવી શકે તે માટે તેઓ રસોડામાં તાળું મારતા હોવાનું પણ મહિલાએ ફરિયાદમાં ઉમેર્યું હતું.
ગુલમહોર મોલ પાસે પોતાની માલિકીનો ફ્લેટ ધરાવતી ૩૭ વર્ષીય ફરિયાદી મહિલાએ રિયલ્ટરના દીકરા સાથે લગ્ન કર્યા હતા. મહિલાના સાસુ-સસરા સિંધુ ભવન રોડ પર બંગલો ધરાવે છે.
લગ્નના એક જ વર્ષ બાદ પતિ અને સાસુ-સસરાની પજવણી શરૂ થઈ જતાં તેણે આ વિશે તેના પિતાને જાણ કરી હતી. આ વિશે મહિલાના પિતાએ તેના સસરા સાથે વાત કરી ત્યારે તેમણે બંને શાંતિથી રહી શકે તે માટે અલગથી ઘર આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ થોડા સમય માટે બધું ઠીક ચાલ્યું હતું.
જાે કે, લગ્નના ત્રણ વર્ષ બાદ મહિલાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે ફરીથી સાસરિયાંની પજવણી શરૂ થઈ ગઈ હતી. તેમને દીકરો જાેઈતો હોવાથી દીકરીને સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
પોતાની માલિકીનું ઘર વેચવા માટે દબાણ કરાયું હોવાનો આક્ષેપ મહિલાએ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેનો પતિ નાની-નાની વાતમાં તેની સાથે મારઝૂડ કરતો હતો અને જાે તે પોલીસ ફરિયાદ કરશે તો તેને મારી નાખવાની અને દીકરીને હાનિ પહોંચાડવાની ધમકી આપતો હતો.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, તેના સસરા તરફથી વારંવાર પૈસાની માગણી અને પજવણીના કારણે તેના પિતાને હાર્ટઅટેક પણ આવ્યો હતો. તેનો પતિ કંઈ જ કમાણી ન કરતો હોવાથી તેને જાણ કર્યા વગર અમેરિકા ભાગી ગયો હોવાનું મહિલાનું કહેવું હતું. તેણે કહ્યું હતું કે, પતિએ દીકરીના અભ્યાસ માટે પૈસા આપવાની પણ ના પાડી છે.SS1MS