Western Times News

Gujarati News

પતિએ નોકરીના સ્થળે પહોંચી પત્નીને જાહેરમાં માર મારીને ફોન તોડી ધમકાવી

અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીને પહેલા તેના સાસરિયાઓએ ત્રાસ આપ્યો હતો અને બાદમાં આનંદનગર પોલીસના અણછાજતા વર્તનનો ભોગ બનવું પડ્યું હતું. યુવતી નોકરી માટે જે શોરૂમમાં ગઇ ત્યાંનો ફોટો તેણે વોટ્‌સએપ સ્ટેટસમાં અપલોડ કર્યાે હતો. જે ફોટો જોઇને તેનો પતિ શોરૂમ પર પહોંચી ગયો અને ત્યાં તેને જાહેરમાં માર મારીને અગાઉ કરેલી ફરિયાદ પરત ખેંચવા ધમકી આપી હતી.

બાદમાં યુવતી આનંદનગર પોલીસ સ્ટેશન ગઇ ત્યારે પોલીસે તેની રજૂઆત સાંભળ્યા વગર કાઢી મૂકી હતી. પોલીસે આ મામલે અરજી લીધી હતી, પરંતુ ભોગ બનનારને ન્યાય અપાવ્યા વગર જ અરજી દફ્તરે કરી દીધી હતી.

એકતરફ યુવતીને સાસરિયાઓનો ડર અને બીજીતરફ પોલીસે છ મહિના સુધી ફરિયાદ ન નોંધતા ભોગ બનનારે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા આખરે આનંદનગર પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જુહાપુરામાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ બે વર્ષ પહેલા ફતેવાડીના એક યુવક સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ પતિએ માર મારતા યુવતીએ તેની માતાને બોલાવી હતી. યુવતીની માતા પુત્રીના સાસરે પહોંચી ત્યારે વેવાઇ પક્ષના લોકોએ બબાલ કરી હતી. પતિ અને મામા સસરાએ યુવતીની માતાને માર મારતા વેજલપુરમાં ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં યુવતી તેની માતાના ઘરે રહેવા આવી ગઇ હતી અને નોકરીની શોધમાં હતી.

તેવામાં ગત ૫ નવેમ્બરે યુવતી પ્રહલાદનગર ખાતે આવેલા બૂટ-ચપ્પલના શોરૂમમાં સેલ્સગર્લની નોકરી માટે ગઇ હતી. યુવતીએ વોટ્‌સએપ સ્ટેટસમાં તે શોરૂમનો ફોટો મૂકતા તેનો પતિ સ્ટેટસ જોઇને ત્યાં પહોંચ્યો હતો. પતિએ પત્નીને શોરૂમની બહાર બોલાવીને ઢોર માર માર્યાે હતો અને વેજલપુરમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ પરત ખેંચી લેવા માટે ધમકી આપી હતી.

યુવતીએ તેના ફોનમાં પતિના ત્રાસ બાબતના પુરાવા રાખ્યા હોવાથી તેના પતિએ ફોન પણ તોડી નાખ્યો હતો. જેથી યુવતી તેના પતિ સામે ફરિયાદ નોંધાવવા અનેક વખત આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ આનંદનગર પોલીસે આરોપીને છાવરીને યુવતીની ફરિયાદ નોંધી ન હતી અને માત્ર અરજી લઇને દફ્તરે કરી દીધી હતી.

જેથી પોલીસ અને સાસરિયાઓથી કંટાળીને યુવતી તેની માતા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીને મળવા પહોંચતા આખરે આનંદનગર પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. હવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.