છૂટક મજૂરી કરતો પતિ હેવાન બન્યો- પત્નિ સાથે કર્યુ આવું કામ
એરપોર્ટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી -અગાઉ પણ નરોડા અને ક્રુષ્ણનગર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પત્નીની હત્યા બાદ ફરાર પતિને ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. પતિ પત્નીનો છે કે, લગ્ન બાદ થોડા સમય પ્રેમથી સાથે રહ્યા પણ બાદમાં પ્રેમમાં દરાર ઊભી થતાં પ્રેમના સબંધો લોહિયાળ બની ગયા.
હત્યારા પતિનું નામ છે રવિ ઉર્ફે વિજય ઝંડાવાળા. આરોપી પતિ મૂળ રાધનપુર થરાદનો રહેવાસી છે અને અમદાવાદમાં છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા એક અઠવાડિયાથી સરદારનગર પાસે આવેલ ધાબાવાળી ચાલીમાં બંને પતિ પત્ની ભાડે રહેવા માટે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ભાડે રહેવા પાછળનું કારણ બીજું કંઈ નહીં પરંતુ પત્ની પર આડાસંબંધની શંકા હતી. જેને કારણે સાસરીમાં પણ ઘરકંકાસ થતી હતી. થોડા સમય પહેલા બંને પતિ પત્ની અલગ રહેવા આવ્યા હતા પરંતુ પત્ની પર આડા સંબંધોની શંકા રાખીને બંને વચ્ચે અવારનવાર ઝગડાઓ થતાં હતાં.
જેના કારણે બે દિવસ અગાઉ પતીએ મોડી રાત્રે પથારીમાં ઉઘી રહેલી પત્ની નીતાબેનના માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.હત્યારો પતિ પત્નીની હત્યા કરી પોતાના વતન થરાદ ખાતે નાસી ગયો હતો.
જે બાદ તે ગઇકાલે ફરીથી અમદાવાદ આવ્યો હતો અને રાતના સમયે કુબેરનગર નહેરુનગરનાં ખુલ્લાં મેદાનોમાં સંતાયો હતો. જેની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ત્રણ મહિના અગાઉ મૃતક પત્નીના પિતાને પણ માથાના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.
જે ગુનામાં પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.આ ઉપરાંત આરોપી રવી ઉર્ફે વિજય અગાઉ પણ નરોડા અને ક્રુષ્ણનગર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે હાલતો ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આરોપી અન્ય પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સાથે અત્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.