Western Times News

Gujarati News

કચ્છના ખાવડામાં હાઇબ્રિડ પાર્ક અંદાજે 1.50 લાખ કરોડના ખર્ચે નિર્માણ પામશે

વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની મુલાકાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ -વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે

કચ્છ,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડચ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. આ હાઇબ્રિડ પાર્ક અંદાજે રૂ. ૧.૫૦ લાખ કરોડના ખર્ચે નિર્માણ પામશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી સાથે સંકળાયેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, જેવા કેન્દ્ર-રાજ્ય સરકારના સાહસો દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીનો ઝીણવટપૂર્વક રિવ્યુ ઉચ્ચસ્તરીય બેઠકમાં કરીને વિગતો મેળવી હતી. ઉર્જામંત્રી કનુ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,

ઊર્જા અગ્ર સચિવ મમતા વર્મા, રાજ્ય સરકારના સચિવો તથા સંબંધિત જાહેર સાહસોના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.મુખ્યમંત્રીએ આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં જનરેટ થનારો પાવર ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોને વેળાસર મળતો થાય તે દિશામાં કાર્યરત રહેવા અધિકારીઓને પ્રેરક સૂચન કર્યુ હતું.

તેમણે પાવર જનરેશનથી લઇને ઇવેક્યુએશન અને ટ્રાન્સમીશનાં સમયબદ્ધ આયોજન તેમજ પૂલીંગ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઈન વગેરે અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી સહિત સૌ વરિષ્ઠ સચિવો ખાવડા નજીક કચ્છ સરહદે ધર્મશાળા પાસે અંદાજે ૭૪,૬૦૦ હેક્ટરમાં ફેલાયેલા આ રિન્યૂએબલ એનર્જી પાર્કના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

આ ડ્રીમ પ્રોજેક્ટસની સ્વયં સ્થળ મુલાકાત લઈ કામગીરી, પ્રગતિનું નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શનનો ઉપક્રમ હાથ ધર્યો છે. તદઅનુસાર, તેમણે તાજેતરમાં મેટ્રો રેલ ફેઝ-૨, ધરોઇ એરિયા ડેવલપમેન્ટ અને ધોલેરા જીંઇની સ્થળ મુલાકાત કરી હતી. એ જ શૃંખલામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રીએ કચ્છનાં ખાવડામાં નિર્માણાધિન આ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની બુધવારે નિરીક્ષણ મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.