Western Times News

Gujarati News

ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં તરખાટ મચાવનાર અભણ ગેંગનો પર્દાફાશ થયો

વડોદરા, ટેક્નોલોજીનો દિવસે દિવસે ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સાયબર માફિયાઓ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી એક એવી અભણ ગેંગ પકડી પાડી છે. જેના વિશે સંભાળી ભણેલાઓ પણ પોતાનું માંથુ ખંજવાળશે. જાણો કેવી રીતે અભણ ગેંગ ઠગાઈ કરતી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાની અમી સુરાણી નામની યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જાેબની ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકી દ્વારા ઓનલાઇન ટાસ્ક આપી રોજના ૧૫૦૦ થી ૩૦૦૦ સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી. જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી.

અમીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. યુવતીએ રોકડા ૮ લાખ ભરી દીધા બાદ ૧૦ લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી. જેને લઈ યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કેવી રીતે કરતા હતા છેતરપિંડી
• અજાણ્યા નંબર પરથી લોભામણી સ્કીમ આપી સંપર્ક કરે છે
• ઘરે બેઠાં કમાણી કરવા જુદા જુદા ટાસ્ક આપવામાં આવે છે
• યુ ટ્યુબ વીડિયો લાઈક કરવાના ફ્રી ટાસ્ક અપાય છે
• ફ્રી ટાસ્ક પૂર્ણ કર્યા બાદ ૧૫૦થી ૫૦૦ રૂપિયા આપે છે
• વધુ ટાસ્ક મેળવવા ટેલિગ્રામની લિન્ક આપવામાં આવે છે
• પ્રિ પેઈડ ટાસ્ક પૂર્ણ કરવા ડિપોઝીટની માગ કરાય છે
• ટાસ્ક પૂર્ણ થતા ૩૦ ટકા વધારા સાથે રકમ પરત આપવાની લાલચ
• ફરિયાદીએ ટાસ્ક પૂર્ણ કરવા ૮ લાખ રૂપિયા ભર્યા
• ટાસ્ક પૂર્ણ કર્યા બાદ લોકો રૂપિયા નથી ઉપાડી શકતા
• રૂપિયા ઉપાડવા ટેક્સ સહિતના બહાને વધુ રૂપિયાની માગ કરાય છે

યુવતીની ફરિયાદના આધારે સાયબર સેલના એસીપી દ્વારા બે પીઆઇની ટીમ બનાવી બેન્ક એકાઉન્ટ તેમજ કોલ્સ ડિટેલના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢી અમદાવાદ દિલ્હીથી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના ૫ સાગરીતોને દબોચી લીધા હતા. પોલીસની તપાસમાં આરોપીઓએ ૧૩ રાજ્યોમાં માત્ર ત્રણ દિવસમાં ૧.૮૪ કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ ખૂબ ઓછું ભણેલા છે. આરોપી ઉત્પલ દુખી રામ દોલાઈ ધોરણ ૧૨, દીપેશ મનુભાઈ પટેલ ધોરણ ૧૨, પટેલ મિતેશ ભીખાભાઈ ડિપ્લોમા, સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જામુલકર બીકોમ અને રામ હારી ઉર્ફે રામ પાંડવાં શાહુ ડિપ્લોમા સુધી ભણેલો છે. પોલીસે ગેંગ પાસેથી ૯ મોબાઈલ, વાઇફાઇના બે રાઉટર અને બે ડાયરી કબજે કરી છે.

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગ જાતજાતના કારણો દર્શાવી ગ્રાહકને ફસાવતી હતી. ટોળકી દ્વારા યુટ્યુબને સબસ્ક્રાઇબ અને લાઇક કરવા માટે લાઇક દીઠ રૂ.૧૦૦ની ઓફર કરવામાં આવતી હતી. તો ક્યારે શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે પણ ગ્રાહકોને ફસાવવામાં આવતા હતા. ઠગાઇ કરતી ગેંગ સામે ટૂંકા સમયગાળામાં તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના ૧૩ રાજ્યોમાં ઠગાઈની કુલ ૪૩ ફરિયાદ નોંધાઇ છે.

સાયબર ક્રાઈમ પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા પાંચ સાગરીતો માત્ર મહોરાં છેપ.આરોપીઓ બેન્ક એકાઉન્ટની સવલત કરી આપીને બદલામાં ગ્રાહક પાસેથી મળેલી રકમ પર કમિશન લઈ લેતા હતા અને સાયબર માફિયાઓને મદદરૂપ થતાં હતા, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે પકડેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે ઠગાઈના મુખ્ય આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.