Western Times News

Gujarati News

આચાર સંહિતાના અમલથી કર્મચારીઓમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી છે!

તા.૧૬ને શનિવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમની સાથે જ જાહેર કરવામાં આવેલી અને અમલમાં મુકાયેલી આચાર સંહિતાથી ગુજરાત રાજ્યના સચિવાલય કેડરમાં અને ખાતાના વડાઓની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદની લાગણી અનુભવતા હોય એવું જણાય છે.

તેનું કારણ એ છે કે વર્તમાન સરકારની અસાધારણ સક્રિયતાને કારણે નિયમિત સરકારી યોજના ઉપરાંત વધારાના અનેક પ્રકારના કાર્યક્રમો જેવા કે પ્રચાર, યાત્રાઓ, સંમેલનો, મેળા ઓ વગેરેનું આયોજન થયા જ કરતું હોય છે.

આ વધારાના આયોજન સામે સ્ટાફ અપૂરતો છે તેને કારણે કામનું ભારણ અનેકગણું વધી જાય છે.વળી, જેઓને ફિલ્ડ અને વહીવટી કામગીરી એક સાથે કરવાની હોય છે તેઓનાં કામનું ભારણ તો ખૂબ જ વધી જતું હોય છે.આ સંજોગોમાં સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને આચાર સંહિતાનો અમલ એ જાણે આડકતરું વેકેશન હોય એવી અનુભૂતિ થતી હોય છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કાર્યદક્ષતા અને સરકારી તંત્રનો અભિગમ પ્રશંસનીય છે

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના એસ.એસ.સી.અને બારમા ધોરણની પરીક્ષાઓ તા.૧૧ માર્ચથી શરૂ થઈ ગઈ છે અને શાંતિથી ચાલી રહી છે.તા.૧૬મી માર્ચથી આ પરીક્ષાના જે પેપરો પૂર્ણ થઈ ગયા છે તેની તપાસવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ‌આ માટેના નિમણૂંકપત્રો પણ શિક્ષકોને આપી દેવાયા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આ બન્ને પરીક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવે છે.પરીણામે સમગ્ર પરીક્ષા સમયસર શરૂ થઈને નિશ્ર્ચિત કરેલ અવધીમાં વિના વિઘ્ને પૂર્ણ થાય છે.જે પરીક્ષા ૯૮૧ કન્દ્રો પર લેવાતી હોય  અને જેમાં ૬,૨૧,૨૬૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠાં હોય તે પરીક્ષા કોઈ છમકલા વગર, શાંતિથી પૂર્ણ થાય એ સૂચવે છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કેટલું કાર્યદક્ષ છે.

વળી એ પણ નોંધવું જોઈએ કે બોર્ડ દ્વારા કરાતા સંકલનને કારણે આ પરીક્ષા વખતે ગુજરાતનું વહીવટીતંત્ર, પોલીસતંત્ર પણ સંપૂર્ણ સંવેદનશીલ બની જાય છે અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈ વ્યવહારિક, શારીરિક કે મનોવૈજ્ઞાનિક મુશ્કેલી ઉભી ન થાય એ માટે ખાસ તકેદારી રાખે છે.આ આખી બાબત માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,શિક્ષણતંત્ર પોલીસતંત્ર,મહેસુલીતંત્ર વગેરે સૌ અભિનંદનના અધિકારી તો છે જ હોં.

આઈ.પી.એસ.ની(IPS) બદલી ન થવાને કારણે તેમની કેડર ડાયરી પણ બહાર ન પડી!

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસનાં પ્રારંભે રાજ્યના આઈ.પી.એસ. કેડરના અધિકારીઓની અદ્યતન યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં જે તે (૧)ઃઅધિકારીનું નામ(૨)ઃ-જન્મતારીખ(૩)ઃ-વતન(૪)ઃ-હોદ્દો(૫)ઃ-કેડરમાં પ્રવેશની તારીખ(૬)ઃ-વર્તમાન હોદ્દા પર નિમાયાની તારીખ(૭)ઃ-ટેલીફોન નંબર(૮)ઃ-ફોટો વગેરે દર્શાવવામાં આવે છે.

પરંતુ અચંબાની વાત એ છે કે ૨૦૨૪નો માર્ચ મહિનો અર્ધો પુરો થયો હોવા છતાં હજુ આઈ.પી.એસ. અધિકારીઓની યાદી બહાર પાડવામાં આવી નથી! આવું કેમ થયું છે? એ અંગે તપાસ કરતા એવી હકીકત બહાર આવી છે કે આઈ.પી.એસ. અધિકારીઓની બદલી મોટા પાયે થવાની શક્યતા હોવાથી તેની રાહ જોવામાં આવી રહી છે.તેને કારણે આ યાદી બહાર નથી પડી.સરકારની અનિર્ણાયકતાનું આ એક પ્રતિક પણ ગણી શકાય હોં!

જુનાગઢ જિલ્લાનાં પોલીસ વડા ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે!


ગુજરાત રાજ્યમાં અનેક પોલીસ અધિકારીઓ તેમના માનવિય અને સંવેદનશીલ અભિગમને કારણે લોકોમાં જબરા લોકપ્રિય થયાનાં દાખલાઓ છે. અગાઉ ચારેક દશકા પહેલાં વડોદરાના તત્કાલીન પોલીસ કમિશનર જસપાલ સિંઘ (Former Vadodara Police Commissioner Jaspal Singh) એટલા બધા લોકપ્રિય થયેલાં કે પોલીસ ખાતામાં થયેલા અન્યાયને કારણે રાજીનામું આપ્યા બાદ તેમને વડોદરાની પ્રજાએ ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢેલા.આવુ જ કંઈક અત્યારે જુનાગઢ જિલ્લાનાં હાલના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ હર્ષદ બી.મહેતા વિશે કહેવાય રહ્યું છે.

એવી વાત વહેતી થઈ છે કે હર્ષદ મહેતા (Harshad Mehta) (૧)ઃ-ગુનેગારોને સન્માર્ગે વાળવા માટે પણ પ્રયત્ન કરે છે(૨)ઃ-લોકોને સહજ ભાવે મળે છે(૩)ઃ-જુનાગઢમાં માથાંનો દુઃખાવો સાબિત થયેલા જાહેર રસ્તા પર લોકોને ખૂબ અડચણરૂપ બનતા કેટલાક વિવાદિત ધાર્મિક સ્થળો પણ મહેતાએ સીફતથી દૂર કર્યા(૪)ઃ-સામાન્ય માણસોનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે અને(૫)ઃ- હર્ષદ મહેતા રાત્રે ૧૨ વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ કરે છે.

આ બધી કર્ણોપકર્ણ વહેતી થયેલી વાતો સૂચવે છે કે મહેતા કેટલા લોકપ્રિય છે.ગુજરાતની ૨૦૨૨ની કેડરના આઈ.પી. એસ.અધિકારી હર્ષદ મહેતા અમરેલીના વતની છે અને અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ., એમ.એડ. થયા છે.મહેતાની વિશેષતા એ છે કે તેઓ સનદી કેડરમાં જોડવા ઈચ્છતાં યુવાનોને માર્ગદર્શન પણ આપે છે.હર્ષદ મહેતા વિશે નોંધપાત્ર વાત એ છે કે તેઓ અપરણિત છે એટલે કુંટુંબની કોઈ જંજાળ ન હોવાથી પોતાનો બધો સમય પોલીસ ખાતાને જ આપે છે.

ગાંધીનગરનાં કલેકટર મેહુલ કે. દવે ખૂબ સક્રિય છે અને તરોતાજા છે
ગાંધીનગરનાં કલેકટર તરીકે તાજેતરમાં નિમાયેલા ૨૦૧૨ની બેચના સનદી અધિકારી મેહુલ કે.દવેએ ખુરશી પર બેસતા વેંત જ જિલ્લા વહીવટીતંત્રને ચેતનવંતુ બનાવી દીધું છે.

નિવૃતિ કાળની નજીક પહોંચવા આવ્યા હોવા છતાં જાણે તાજેતરમાં જ સનદી કેડરમાં જોડાયા હોય એવા ઉત્સાહથી એ કામ કરે છે.

મૂળ અમરેલી જિલ્લાના વતની એમ.કે. દવેએ (M. K. Dave) કારકિર્દીની શરૂઆત રાજકોટમાં સીધી ભરતીના ડેપ્યુટી કલેકટર તરીકે કરી હતી. બી.એસસી., એલ.એલ.બી.ની ડિગ્રી ઉચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરનાર મેહુલ દવે હસમુખા સ્વભાવનાં છે.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા દવે નાટકો જોવાનો શોખ પણ ધરાવે છે પરંતુ વહીવટમાં ગળાડૂબ રહેવાને કારણે પોતાનો એ શોખ હવે તેઓ પોષી શકતા હશે કે નહીં એ એક સવાલ છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.