Western Times News

Gujarati News

અમદાવાદના ધારાસભ્યોને ફાળવેલ ગ્રાંટમાંથી વધેલી રકમ પ્રજાકીય કામો માટે વપરાશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ર૦ર૧-રર અને ર૦રર-ર૩ની ગ્રાંટ વાપરવાની મુદત માર્ચ ર૦ર૪ લંબાવવામાં આવી છે. ર૦૧૭થી ર૦રરની પૂર્ણ થયેલ ટર્મ દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ કામ માટે જે ગ્રાંટ ફાળવવામાં આવી હતી તેમાંથી થયેલી બચતની રકમ વિવેકાધીન ગ્રાંટમાં પરિવર્તિત કરી પ્રજાકીય કામો માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

મહાનગરપાલિકાઓમાં આ કામ માટેની સત્તા સ્ટેન્ડિગ કમિટિને સોંપવામાં આવી છે જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિએ છેલ્લા ર વર્ષ દરમિયાન ૧૪ ધારાસભ્યોની વિવેકાધીન ગ્રાંટની રકમનો પ્રજાકીય કામો કરવા માટે મંજુરી આપી છે.

રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ ધારાસભ્યો તેમના મત વિસ્તારના કામો માટે ફાળવેલ રકમમાંથી જે બચત થાય છે તેનો ઉપયોગ સ્થાનિક નાગરિકોના લાભાર્થે કરવામાં આવશે જેના માટે જે તે મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નર અને સ્ટેન્ડિગ કમિટિની મંજુરી લેવામાં આવશે.

ર૦ર૧-રર અને ર૦રર-ર૩માં શહેરની ૧૪ વિધાનસભામાં જે બચત થઈ હતી તે બચતમાંથી રોડ-રસ્તાના કામો, પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા, મરામત કામો મધ્યાહન ભોજન માટે મ્યુનિ. શાળાઓમાં લાયબ્રેરી, પ્રાથમિક આરોગ્ય માટે, પાણીની પાઈપલાઈનના કામો, સ્ટ્રીટ લાઈટના કામો, ગટર ડ્રેનેજના કામો માટે કરવામાં આવશે.

સદર વિવેકાધીન ગ્રાંટમાં જે તે કામ દીઠ મહત્તમ રૂા.૧પ લાખની મર્યાદામાં કામ થશે પેવર બ્લોક તેમજ સીસીરોડના કામો માટે ગ્રાંટના ૧પ ટકા લેખે રકમ જ વાપરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ર૦ર૧-રરમાં રૂા.૧૭૦૦૮૧૩૩ અને ર૦રર-ર૩ માં રૂા.૮૪૧૭૩ર૧ની રકમનો ઉપયોગ સદર ગ્રાંટ અંતર્ગત કરવાનો છે.

દરિયાપુર વિધાનસભામાં બે વર્ષમાં મળી કુલ રૂા.૧ કરોડ કરતા પણ વધુ રકમની બચત થઈ છે તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. જયારે જમાલપુર વિધાનસભામાં ૩૬ લાખ અને દાણીલીમડા વિધાનસભામાં રૂા.પ૬ લાખની બચત થઈ છે તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.