ઈંગ્લેન્ડેને ટેસ્ટમાં ૩૪૭ રનથી હરાવી ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો
મુંબઈ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ૩૪૭ રનથી જીત મેળવી છે. આ મેચ જીતતાની સાથે જ ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે.
તેણે પહેલીવાર ઇંગ્લેન્ડને ટેસ્ટમાં પોતાના ઘરેલૂ મેદાન પર હરાવ્યું છે. ભારતીય મહિલા ટીમની ઇંગ્લેન્ડ સામે આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે ઇંગ્લેન્ડને વર્ષ ૨૦૦૬માં ટોન્ટ અને વર્ષ ૨૦૧૪માં વોર્મસ્લેમાં હરાવ્યું હતું.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ પહેલા શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનને વર્ષ ૧૯૯૮માં ૩૦૯ રનથી હરાવ્યું હતું. જયારે ન્યુઝીલેન્ડની ટીમે વર્ષ ૧૯૭૨માં સાઉથ આફ્રિકાની મહિલા ટીમને ૧૮૮ રનથી હરાવ્યું હતું.
મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે પોતાની ઇનિંગ ડિકલેર કરી અને ઈંગ્લેન્ડને ૪૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટો ટાર્ગેટ હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહીં અને માત્ર ૧૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ૩૪૭ રનથી મોટી જીત નોંધાવી હતી.
ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેદર નાઈટે સૌથી વધુ ૨૧ રન બનાવ્યા હતા. જયારે શેરોટેલ ડીને ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્માએ ભારત તરફથી શાનદાર બોલિંગ કરી હતી. દીપ્તિ અને પૂજા વસ્ત્રાકર ઇંગ્લેન્ડને ટકવાનો મોકો ન આપ્યો હતો.
દીપ્તિએ ૪ જયારે પૂજાએ ૩ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે ૨ અને રેણુકા ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ આ મેચમાં ૯ વિકેટ ઝડપી હતી અને એક ફિફ્ટી પણ ફટકારી હતી. SS2SS