સ્વામિનારાયણ કન્યા ગુરૂકૂળ બનાવવા ઉદ્યોગપતિએ 18 વીઘા જમીન દાનમાં આપી
રાજકોટ, સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે રાજ્યભરના ઉદ્યોગપતિ, સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ તકે સ્વામિનારાયણ કન્યા ગુરૂકૂળનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.
વસંતભાઈ લીંબાસિયાએ ૧૮ વીઘામાં બની રહેલા કન્યા ગુરૂકૂળ સંકુલમાં ૩.રપ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ હશે તેમ જણાવ્યું હતું. સાત માળના છાત્રાલયમાં ૧ર૦ રૂમ હશે તેમજ સ્કૂલ બિલ્ડીંગોમાં ૯૦ રૂમ હશે.
આ બિલ્ડીંગમાં વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવશે જેમાં દરેક વિષયના દેશ દુનિયાના પુસ્તકો પ્રાપ્ત થઈ શકશે. દીકરીઓના શારીરિક વિકાસ માટે આધુનિક જીમ બનાવવામાં આવશે.
આ ઉપરાંત ફૂટબોલ ગ્રાઉન્ડ, ટેનિસ ગ્રાઉન્ડ અને ખોખો, કબડી વગેરેના ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દીકરીઓના માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ માટે વૈદિક મેથ્સ અને મેમરી ડેવલપમેન્ટ વિભાગ રાખવામાં આવશે.
વધુમાં વસંતભાઈ લીંબાસિયાએ જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકૂળએ તુલસીનો કયારો છે જેમાં દરેક શ્રદ્ધાવાન ભકતો પોતાની પુણ્ય કમાઈ રૂપી સંપત્તિ, સમગ્ર ભારતમાં દીવાદાંડી રૂપ પ્રથમ કન્યા ગુરૂકૂળ બની રહેશે.
અંદાજિત 45 કરોડના ખર્ચે બનનાર સ્કૂલ તથા છાત્રાલયમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાશે. પ્રથમ વર્ષે જૂન 2025થી તમામ જ્ઞાતિ તથા વર્ગની કન્યાઓ ધોરણ 6થી 8 સુધી અને પછીથી ક્રમશઃ 12 ધોરણ સુધીનો અભ્યાસ 1200 જેટલી વિદ્યાર્થિનીઓ કરી શકશે. આ કન્યા છાત્રાલય ફૂલી રેસિડેન્સિયલ હોવાથી અપડાઉનની કોઈ વ્યવસ્થાની જરૂર પડશે નહિ.