નિયમોની ઐસી તૈસી કરી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડતા અચકાતા નથી GIDCમાં ચાલતા ઉદ્યોગો
ઝઘડિયા GIDCમાં ઉદ્યોગ સંચાલકો દ્વારા પ્રદુષણનો ઉપદ્રવ
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ માસની શરૂઆતમાં જીઆઈડીસીમાં કામ લેવાની બાબતે ગેંગવોર થઈ હતી.જેથી ઝઘડિયા જીઆઈડીસી બહુચર્ચિત બની રહી હતી. જીઆઈડીસીમાં ગેંગવોર જ એક સમસ્યા નથી, પરંતુ જીઆઈડીસીમાં આવેલા
ઉદ્યોગ સંચાલકો દ્વારા જાહેરમાં ધોળા દિવસે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી જાહેર વરસાદી કાસમાં છોડી દેવાની બાબત પણ કોઈ ગેંગવોર થી કમ નથી, ત્યારે આવા તત્વો સામે જીપીસીબી, ઝઘડિયા જીઆઈડીસી વિભાગ તથા ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન શું પગલાં ભરી રહી છે ?
આજરોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૮૨૭-૨ ની બાજુ માથી પસાર થતી પાકી વરસાદી કાસમાં જાહેરમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી કોઈ એકમ દ્વારા છોડી દેવામાં આવ્યું હતું.આ બાબતે સ્થાનિકોએ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારને ફરિયાદ કરતા તેના સેમ્પલો લેવાયા હતા.
ફરિયાદના આધારે જીઆઈડીસી વિભાગ જાગૃત તો થયું પરંતુ જે આ પ્રદુષિત પાણી છોડનાર છે શું તેની સામે કાર્યવાહી થશે ખરી ? તે જાેવાનું રહ્યું. ઝઘડિયા જીઆઇડીસીમાં ઘણા બધા પ્રકારની વોર થાય છે, ધંધા માટે ગેંગવોર થાય છે, જાહેરમાં પ્રદૂષિત પાણી છોડી દેવાની વોર થાય છે,આડેધડ કામદારોને છૂટા કરી દેવાની વોર થાય છે,
ઉદ્યોગોમાં સુરક્ષાના અભાવે અકસ્માતોની વોર થાય છે.ત્યારે સ્થાનિકો તો આ બધી જ વોરનો સામનો કરી રહ્યા છે, જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગો દ્વારા નીતિ નિયમ નેવે મૂકી જે કામગીરીઓ કરવામાં આવી રહી છે
તે તમામ સામે કાર્યવાહી થાય તેવા પગલાં જીલ્લા કલેકટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર વિભાગ, ઝઘડિયા જીઆઈડીસી વિભાગ,ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ વિભાગ પગલાં ભરે તે જરૂરી બન્યું છે.