ઉમેદવારોએ કરેલા ગુનાઓની માહિતી ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવી પડશે
રાજકીય પક્ષો માટે મુખ્ય નિર્વાચન અધિકારી-ગુજરાતની સૂચના-૨૦૨૨માં પક્ષો દ્વારા સુપ્રીમ અને ચૂંટણી પંચની સૂચનાનું ઉલ્લંઘન કરાયું હતુઃ માહિતી અધિકાર પહેલ
(એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમના ગુનાઇત ઈતિહાસની વિગતો સ્પષ્ટ રીતે મતદારો જાણી શકે તેમ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવી પડશે તેવી સૂચના ઈલેક્શન કમિશન દ્વારા જારી કરવામાં આવી છે.
કોંગ્રેસ, ભાજપ, આપ, બીએસપી વિગેરે રાજકીય પક્ષો માટે ગુજરાતી ભાષામાં ગુનાઈત ઈતિહાસની વિગતો છાપવા મુખ્ય નિર્વાચન અધિકારી-ગુજરાત દ્વારા આ સૂચના અપાઈ છે.
સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઇડ લાઈન છતાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના ગુનાઇત ઇતિહાસની વાત મતદારો સુધી પહોંચે તે રીતે જાહેર જ ન કરવી અને માત્ર અંગ્રેજીમાં જ પ્રસિદ્ધ કરવી જેથી વિશાળ વર્ગ સુધી પહોંચી ન શકે તેવી ક્ષતિઓ આ મુદ્દે બહાર આવી હતી.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગના જણાવ્યા મુજબ, મુખ્યત્વે રાજકીય પક્ષો અને ઉમેદવારો સી-૨ અને સી-૭ ફોર્મ અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતાં હતા.
જ્યારે મતદારોના જાણવાના અધિકારને મહત્ત્વ આપીને સર્વાેચ્ય અદાલતે સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ ચૂકાદો આપ્યો હતો કે મતદારો પાસે ઉમેદવારો વિશે કેટલીક જરૂરી માહિતી હોવી જોઈએ. જેમાં ઉમેદવારોનું શિક્ષણ, તેમની પરના કેસ અને તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે વગેરેનો સમાવેશ કરાયો હતો. તેથી દરેક ઉમેદવારે તેમની પરના ગુનાની વિગતો અખબાર, સોશિયલ મીડિયા કે વેબસાઈટ પર મૂકવી જરૂરી બની હતી.
ચૂંટણી પંચે ઉમેદવારોના ગુનાની વિગતો જાહેર કરવા રાજકીય પક્ષો માટે સી-૨ અને સી-૭ ફોર્મ બહાર પાડીને ગાઈડલાઈન પણ જાહેર કરી હતી છતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો આ બાબતને ગંભીરતાથી લેતા નથી. ૨૦૨૨ની ચૂંટણીમાં જે ફોર્મ પ્રસિદ્ધ કરાયા હતા તેનો અભ્યાસ કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ વખત ગુનાઇત ઈતિહાસની વિગતો છાપવા કહ્યું છે છતાં એક કે બે વખત છાપવી કે અંગ્રેજીમાં જ છાપવી અને કેટલાક કિસ્સામાં પ્રસિદ્ધ કરાતી નહીં હોવાનું પણ જણાયું હતું.
તેના આધારે લોકસભા ચૂંટણી સંદર્ભે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને મુખ્ય નિર્વાચન અધિકારીને અગાઉના હુક્મનો ભંગ થતો હોવાની રજૂઆત કરી હતી. તેના અનુસંધાનમાં કોંગ્રેસ, ભાજપ, આપ, બીએસપી વગેરે રાજકીય પક્ષોને ગુજરાતી ભાષામાં ગુનાઇત ઈતિહાસની વિગતો છાપવા સૂચના આપી છે.