રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: સરેરાશ ૬૯.૨૨ ટકા વરસાદ
રાજ્યના કુલ પાંચ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ -રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ
કુલ ૨૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ -રાજ્યમાં કુલ સરેરાશ ૬૯.૨૨ ટકા વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૯ ટકા વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં ૯૬ મિ.મી., સરસ્વતીમાં ૮૩ મિ.મી., ભિલોડામાં ૮૦ મિ.મી., ઉમરપાડામાં ૭૨ મિ.મી. અને સતલાસણામાં ૬૪ મિ.મી., મળી કુલ રાજ્યના કુલ પાંચ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન પાટણ તાલુકામાં ૬૦ મિ.મી., કોન્ટમાં ૫૯ મિ.મી., વાગરામાં ૫૭ મિ.મી., સિદ્ધપુરમાં ૫૬ મિ.મી., ખંભાતમાં ૫૪ મિ.મી., અને પ્રાંતિજમાં ૫૦ મિ.મી., મળી રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ અને રાજ્યના બીજા ૨૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૯ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૭.૧૬ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૧.૯૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૧. ૩૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૬૦. ૩૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૭૭ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.