પાર્લામેન્ટમાં ભારતને આઝાદી અપાવાનો બહુમતીએ ઠરાવ થયો તે ઘટનાની પાછળ ઈશ્વરની અદ્રશ્ય શક્તિએ કામ કર્યું હતું
કેવી આઝાદી પ્રભુને ગમે ?-ભારતને મળે આઝાદી, તેવી ઇચ્છા પ્રભુને જ હતી ઼ અવતારોએ ઊભી કરેલી સંસ્કૃતિ વિશ્વે લઈ જવાની
ભારતને ગુલામીમાંથી આઝાદ કરવા સૃષ્ટિના સર્જક પરમાત્માએ પોતાની ક?બિનેટમાંથી એક દૈવી આત્મા મહાત્મા ગાંધીજીના રૂપે ભારતની ધરતી ઉપર પોતાની શક્તિ અને પાવર આપીને મોકલ્યો. શા માટે ? તો ભારત અંગ્રેજોનું ગુલામ હતું તેમાંથી આઝાદ કરવા માટે ? પ્રશ્ન થાય કે ભારતને આઝાદી અપાવવા પાછળ ભગવાનને શું અપેક્ષા હતી તે હવે જોઈએ ?
ભગવાને પોતે જ સંસ્કૃતિનાં મૂલ્યોને પ્રસ્થાપિત કરવા ભારતમાં અવતારો લીધેલા અને ભારતીય વૈદિક સંસ્કૃતિમાં રહેલી આચારપ્રણાલી, વિચારપ્રણાલી અને ભક્તિપ્રણાલીને સુચારુ રૂપે સ્થિર કરેલી. આ સંસ્કૃતિ વિશ્વમાં બેજોડ છે. તે ભગવાનની દેણ છે અને તેનાથી જ સારા વિશ્વમાંની માનવજાતિની સમસ્યાઓ હલ થઈ શકે તે માટે ભારતને આઝાદી અપાવવાની ભગવાનને ઇચ્છા થઈ.
જ્યારે મોટા ભાગની માનવજાતિ સંયમ છોડીને ભોગાક્રાંત થાય ત્યારે ઈશ્વરી કાનૂનની તોડફોડ થાય. પોતાના કાનૂનો ભોગવાદી, જડવાદી, વ્યક્તિવાદી ઊભા કરે ત્યારે શાશ્વત ચિરંતન નૈતિક મૂલ્યોવાળાં જીવનો અગવડમાં આવે. તેવા ટાઈમે સૃષ્ટિસર્જકે ફરી પાછી વૈદિક સંસ્કૃતિ માનવમાત્રને પહોંચાડવા ભારત તરફ દૃષ્ટિ કરી. કારણ ભગવાને નવ-નવ અવતારો ભારતમાં લઈ આ સંસ્કૃતિને પ્રસ્થાપિત કરેલી છે.
તેના અણુ-પરમાણુઓ આ ધરતી ઉપર છે. તેથી આ વૈદિક સંસ્કૃતિ વિશ્વમાં લઈ જવા ભારતની જ પસંદગી ભગવાને કરી, પણ હવે ભારત તો ગુલામ હતું. તો ગુલામ દેશની કોઈ પણ સારી વાત વિશ્વના લોકો સાંભળે નહિ. તેથી ભારતને આઝાદી અપાવવી અને તેના માટે જ ભગવાને તેમની કૅબીનેટમાંથી દૈવી આત્માઓ ગાંધીજી અને સરદાર પટેલને ભારતની ધરતી ઉપર મોકલ્યા.
હવે તે વખતે બ્રિટન અંગ્રેજોના રાજ્ય ઉપર કદી સૂર્ય આથમતો ન હતો. તેવી રીતની દુનિયાની ધરતી ઉપર તેમની સત્તા ચાલતી હતી. તેનો બધો યશ તે ટાઈમે હાંસલ કરનાર કાંઝરવેટીવ પાર્ટી ને ચર્ચિલને ફાળે જતો હતો, છતાં આ પાર્ટી ચૂંટણીમાં હારી ગઈ અને ચમત્કાર રૂપે લેબર પાર્ટી સત્તા ઉપર આવી. પાર્લામેન્ટમાં ભારતને આઝાદી અપાવાનો બહુમતીએ ઠરાવ થયો. આ ઘટનાની પાછળ ઈશ્વરની અદ્રશ્ય શક્તિએ કામ કર્યું છે તે પ્રામાણિક-પણે માનવું જ રહ્યું.
સામે દૃષ્ટ શક્તિએ પણ કામ કર્યું છે. ગાંધીજીની ‘નાકર’ની લડત, સવિનયકાનૂનભંગ તથા નાનાંમોટાં ૬૦૦ રજવાડાંનું વિલિનીકરણ કરાવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ આવા નામી-અનામી ઘણા લોકોએ કુરબાનીઓ આપી છે. તે સહુને હૃદયપૂર્વક પંદરમી આૅગસ્ટે યાદ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, તેમના સદાય ઋણી રહીશું.
પણ જોડે જોડે તે બધાની પાછળ અદ્રશ્ય શક્તિ છે તે ભગવાનને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીશું ? ઉપર જોયું તેમ ભારતને આઝાદી ભગવાનને જ અપાવવી હતી, કારણ ભારતની ધરતી ઉપર તેમણે અવતારો લઈને સંસ્કૃતિના વિચારો લોકોના લોહીમાં વણેલા છે અને તે વિચારો એટલે જ આપણી આચાર-પ્રણાલી, વિચારપ્રણાલી અને ભક્તિપ્રણાલી.
આચારપ્રણાલીના પેટમાં બે વાતો છે-તેજસ્વીતા અને ભાવપૂર્ણતા. તેજસ્વીતા એટલે હું મફતનું લઈશ નહિ, દુબળો, લાચાર, નમાલો બનીશ નહિ, માગણ બનીશ નહિ, હું પ્રભુ પુત્ર છું, પ્રભુના વંશનો છું અને તેજ પ્રભુ મારા હૃદયમાં મારી જોડે છે-આ ગૌરવ અને ગરીમા છે.
બીજી વાત ભાવપૂર્ણતાની. મારું જીવન ફક્ત મારા માટે જ નહિ પણ મારું જીવન કોઈના માટે પણ છે. આ બે વાતો મળીને અમારી આચારપ્રણાલી છે.
બીજી અમારી વિચારપ્રણાલી છે. આમાં પણ તેના પેટમાં બે વાતો આવે છે. વિધાયક દૃષ્ટિકોણ અને સર્વાંગીણ વિકાસ. વિધાયક દૃષ્ટિકોણ એટલે માનો કે સત્ય એ જ ધર્મ તેવું સ્થૂળ ચોકઠામાં આપણે માનીએ છીએ. પણ કોઈ વખત અસત્ય પણ ધર્મ બને છે.
જેમકે એક ગામડેથી ગાડાઓમાં બેસીને એક જાન જતી હતી. જાન ગર્ભ-શ્રીમંત ઘરની હતી. બહેનોના શરીરો ઉપર ઘણા સોનાના દાગીનાઓ હતા અને જતાં જતાં ચાર રસ્તા આવ્યા. ત્યાં એક માણસ વિસામાના ઓટલે બેઠો હતો. જાન તે સ્થળેથી નીકળી ગઈ હતી, ત્યાર બાદ અડધા કલાકે બે બુકાનીદાર બંદૂકો સાથે ઘોડા ઉપર બેસીને આવ્યા. પૂછ્યું અલ્યા પેલી જાન કયા રસ્તે ગઈ. ઓટલે બેઠેલો માણસ સમજી ગયો.
આ કંઈ ચાંલ્લો કરવાવાળા નથી લાગતા, લૂંટવાવાળા છે. તો તેણે જાનને લૂંટાતી બચાવવા ખોટો રસ્તો બતાવી ત્યાંથી રવાના થઈ ગયો. સાચું બોલતાં જાન લૂંટાતી હતી. તો જાનને બચાવવા અસત્ય બોલ્યો. આ અસત્ય બોલવું તે ધર્મ થયો. જડવત સત્ય તે સત્ય નથી. ગીતા કહે છે ‘સતે હિતમ્?સત્ય.’ સત્યનું રક્ષણ કરવા માટે જે કંઈ કરવું પડે, બોલવું પડે તે ‘સત્ય’. આ ગીતાનો વિધાયક દૃષ્ટિકોણ છે. ગીતામાં સ્થગિતતા નથી તેથી તે ગ્રંથ વિશ્વની માનવજાતને માર્ગદર્શન આપી શકે.
બીજી વાત વિચારપ્રણાલીમાં સર્વાંગીણ વિકાસની છે. તેમાં ચાર આશ્રમવ્યવસ્થા છે-જેમકે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. ચાર પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર જાતિવ્યવસ્થા છે તે મળીને અમારી સંસ્કૃતિની વિચારપ્રણાલી બને છે. હવે ત્રીજી ભક્તિપ્રણાલી છે.
તેમાં બે વાતો છે-વૈદિકશાસ્ત્રીય મૂર્તિપૂજા અને તેનો યજ્ઞ, તીર્થયાત્રા, ભક્તિફેરી, એકાદશી દ્વારા પ્રચાર અને પ્રસાર. મૂર્તિપૂજા પરફેક્ટ સાયન્સ છે. તેમાં તનૂપૂજા, ગુણપૂજા અને તત્ત્વપૂજા આમ બુદ્ધિગમ્ય રીતે સમજવી. તેમાં જ મન શક્તિશાળી, પ્રગમનશીલ, સંવેદનશીલ અને પ્રભુનો સ્પર્શ પામે. આ આંતરભક્તિ છે. આમ આચારપ્રણાલી, વિચારપ્રણાલી અને ભક્તિપ્રણાલી ‘અર્થ’ અને ‘કામ’ પાવિત્ર્ય એ બધાનું રસાયણ થાય તે આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ છે. તે જ માનવજાતની સમસ્યાઓને હલ કરી શકે.
આ સંસ્કૃતિને વિશ્વમાં લઈ જવા માટે ભગવાને ભારતને આઝાદી અપાવી છે. આ ભગવાનની ઇચ્છાને સમજીશું અને પંદરમી આૅગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે ગાંધી, સરદાર, સુભાષ, નામી-અનામી જે કોઈ પ્રયત્નો કરનાર, બલિદાનો આપનાર સૌને ભાવપૂર્ણ નમસ્કાર. સાથે સાથે અદ્રશ્ય શક્તિ ભગવાનને પણ નમસ્કાર કરી કહીશું કે ભગવાન તમે અમને આઝાદી અપાવી છે, તો ભારતના ગામડે-ગામડે, ઘરે-ઘરે અને સારાયે વિશ્વમાં તમે આપેલી ભારતીય વૈદિક સંસ્કૃતિને પહોંચાડીશું તેવું કહીશું અને કરીશું તો
સ્વાતંત્ર્યતાને સુગંધ આવશે. તેવા પ્રયત્નો વિશ્વના માલીક ભગવાનને પણ જરૂર ગમશે.
થાય ભારત આઝાદ (રાગ ઃ અરે સાંભળ યુવાન) થાય ભારત આઝાદ વિશ્વે સંસ્કૃતિ જાય,
એવી ઇચ્છા પ્રભુને પોતાને હતી, તેથી ગાંધીને મોકલ્યા ભારતમાંહી. અવતારો થયા બધા ભારત ભૂમિમાં,
માનવ સંસ્કૃતિ એના રજકણોમાં. દૈવી સંસ્કૃતિ વિશ્વમાં લઈને જવા, આઝાદી ભારતને જરૂરી હતી.
તેજસ્વી આચાર પ્રણાલી અમારી, ભાવ લાગણી પૂર્ણતાથી ભરેલી. એવો આચાર વિશ્વમાં લઈને જવા,
સરદારને મોકલ્યા ભારતમાંહી. સર્વાંગીણ વિકાસની વિચાર પ્રણાલી. વિધાયક દૃષ્ટિકોણ આપવાવાળી.
એવો વિચાર વિશ્વમાં લઈને જવા, ગુલામીને કાઢવી જરૂરી હતી. વૈદિક શાસ્ત્રીય મૂર્તિપૂજા અમારી,
યજ્ઞ છે માધ્યમ સંસ્કૃતિ પ્રચાર. એવી ભક્તિ પ્રણાલી વિશ્વે લઈ જવા, સ્વતંત્રતા દેશને જરૂરી હતી.
ગુલામોની વાતને દુનિયા ન માને, તેથી ભારતને આઝાદી અપાવે. તેવી વાત પ્રભુને સમજમાં આવી,
તેથી ગાંધીને મોકલ્યા ભારતમાંહી. થાય ભારત આઝાદ, વિશ્વે સંસ્કૃતિ જાય.