નડિયાદમાં જૈન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, જૈન સ્થાનના પવિત્ર તીર્થ શત્રુંજય પર્વત પર થોડા સમય પહેલા રોહિતશાળા ખાતે ભગવાનના પગલાને તોડફોડ તથા સીસીટીવી કેમેરાને તોડફોડ કરતાં સમગ્ર રાજ્યના જૈન બંધુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેના પડઘા ખેડા જિલ્લામાં પણ જાેવા મળી રહ્યા છે આજે આ મામલે નડિયાદ જૈન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જૈન સંપ્રદાયનું પવિત્ર સ્થાન ગણાતા શેત્રુંજય પર્વત અને પાલીતાણા શહેરને લઇ અમારી કેટલીક ગંભીર આપત્તિઓની રજૂઆત છે. જેમા છેલ્લા થોડા વર્ષોથી શત્રુંજય ગિરિરાજ પર્વત ઉપર અને તેની આસપાસની જમીનો ઉપર ગુજરાત હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર વિરુદ્ધ ગેરકાયદે કબ્જાે જમાવવામાં આવી રહ્યો છે. પવિત્ર ગિરિરાજની ભયાનક આશાતના અને પર્વતની સમગ્ર ઇકો સિસ્ટમને કાયમ માટે મોટું નુકશાન પહોંચાડનાર ગેરકાયદે માઇનિંગ, દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ વિગેરે ચાલી રહ્યા છે. જમીન માફિયાઓ અને જૈન વિરોધી સ્થાપિત હિતો અહીં એકઠા અને એક્ટિવ થઇ રહ્યા છે.
વધુમાં જણાવ્યું છે કે મનાભાઈ ભોપાભાઈ રાઠોડ (મના ભરવાડ) પાલીતાણા ડોળી કામદાર યુનિઅનની સ્થાપના ૨૦૦૧માં થઇ ત્યાર થી લઇ આજ સુધી એકધારા પ્રમુખપદ પકડી રાખનાર માથાભારે ઈસમ છે. આ મનાભાઈ પોતે જ ડોળી યુનિયનના પ્રમુખ થઇ પોતાના પદ નો સરેઆમ દુરુપયોગ કરી યુનિયનના મેમ્બર્સને ડોળીઓ ભાડે આપવાની એકધારી ઇજારાશાહી ભોગવે છે, ઉપરાંત તેની આ પ્રવૃતિ દરરોજની હજારો રૂપિયાની બે નંબરની આવક એકઠી કરવાનું સાધન છે.
મનાભાઈ રાઠોડ જૈન સાધુ ભગવંતો ને ધમકીઓ આપે છે, દાદાગીરી અને ગુંડાગીરી કરે છે. તળેટીને અડીને આવેલ શેત્રુંજય પર્વત ઉપર વિશાળ સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદે કબ્જાે જમાવી વ્યવસાયિક બાંધકામ કર્યું છે. મનાભાઈએ ગેરકાયદે કબ્જે કરેલી જમીનની માત્ર જંત્રી પ્રમાણેની કિંમત જ રૂપિયા એક કરોડ વીસ લાખથી ઉપર છે. જયારે બજાર કિંમત તો ઘણી વધુ છે.
મનાભાઈ અને એના સાગરીતો મળી ફોરેસ્ટ લેન્ડ ઉપર ગેરકાયદે કબ્જા કરવાની, જૈનો વિરુદ્ધ સ્થાનિકોને તથા સાધુસંતોને ગેર માહિતી આપી ભરમાવી ભડકાવવાની, ડોળીવાળાઓને ઉશ્કેરણી કરવાની અને જૈનો વિષે ધિક્કાર ફેલાવવાની પ્રવૃત્તિઓ સતત કરતા રહ્યા છે. સ્થાનિક સ્તરે અશાંતિ અને કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. આ પરીસ્થિતિમાં પાલીતાણામાં વિશ્વભરમાંથી આવતા જૈન યાત્રિકો અને અહીંના જૈનોના ધર્મસ્થાનો ઉપર મનાભાઈ રાઠોડ અને તેના ભરત રાઠોડ જેવા કેટલાક સાગરીતો તરફથી ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે, જેનો દ્વારા જાે આ ત્રાસનો પ્રચાર થશે તો પાલીતાણમાં દુનિયાભરમાંથી આવતા યાત્રિકો બહુ ઘટશે તેથી લોકલ લોકોના ધંધા ઉપર ગંભીર અસર થશે.
આવી પરિસ્થિતિ હોવાથી મના ભરવાડને ડોળી યુનિયનના પ્રમુખ પદેથી તાત્કાલિક દૂર કરવામાં આવે એને યુનિયનમાં કોઈ જ પદ ન આપવામાં આવે અને ડોળીની ઇજારાશાહીનો તાત્કાલિક અંત લાવવામાં આવે એની સંપત્તિના સોર્સની તપાસ કરવામાં આવે અને એના દ્વારા થયેલા ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે આશરે ૧૩૦૦ ચોરસ વાર ના સરકારી જમીન ઉપર દબાણને અને બાંધકામ, રીઝવર્ડ ફોરેસ્ટ લેન્ડ ઉપર દુકાન બનાવી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કારવ્યું છતાં લાગતાવળગતા સરકારી ડિપાર્ટમેન્ટ મનાભાઈ ઉપર કયા દબાણ હેઠળ નિર્ણાયક પગલાં લેતા અચકાય છે તે પણ ગંભીર તપાસનો વિષય છે. આ બાબતે તપાસ કરવા માંગ કરાઈ છે.