નવા ઇન્કમ ટેક્સ એક્ટની ભાષા કરદાતા સમજી શકે તેવી સરળ હશે
નવી દિલ્હી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ થનારા નવા ઇન્કમ ટેક્સ બિલમાં કોઇ જોગવાઇઓ, લાંબા લાંબા વાક્યો કે સ્પષ્ટતાઓ હશે નહી એમ કેન્દ્રિય નાણાં સચિવ તુહિનકાંત પાંડેએ ગુરૂવારે કહ્યું હતું.છ દાયકા જૂના ઇન્કમ ટેક્સના કાયદાનું સ્થાન લેનાર આ નવા બિલની શુક્રવારે મળનારી કેબિનેટની મિટિંગમાં ચર્ચા થવાની શક્યતા છે એમ સૂત્રોએ કહ્યું હતું.
નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા બજેટ ભાષણમાં જેની જાહેરાત કરી હતી તે નવા બીલમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં નક્કી કરાયેલાં ઇન્કમ ટેક્સના દર અને તેના જુદા જુદા સ્લેબમાં કરાયેલાં ફેરફારો અને ટીડીએસની જોગવાઇઓને સમાવી લેવામાં આવશે અમે જે રીતે કાયદાની ભાષા લખીએ છીએ તે હાલ ચાલી રહેલાં પરિવર્તનનો એક હિસ્સો હશે.
આ નવા કાયદામાં તમને લાંબા લાંબા વાક્યો, વિવિધ પ્રકારની જોગવાઇઓ અ ખુલાસા કે સ્પષ્ટતા જોવા મળશે નહીં એમ પાંડેએ પીએચડી ચેમ્બર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું.
નવા બિલમાં નવા કોઇ ટેક્સ ઝીંકાયા નથી કે કરદાતાઓ ઉપર વધુ કોઇ ભારણ પણ વધારાયું નથી, તે ઉપરાંત નીતિમાં પણ અમે કોઇ ફેરફાર કરી રહ્યા નથી, કેમ કે અમે કોઇ અસ્થિર સ્થિતિનું સર્જન કરવા ઇચ્છતા નથી એમ પાંડેએ કહ્યું હતું. નવો કાયદો એકદમ સાદો અને સરળ હશે.
વાસ્તવમાં કાયદો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ક કે વકીલોના વિવિધ અર્થઘટનો માટે ના હોવો જોઇએ, અસલમાં સામાન્ય નાગરિકો સમજે એવો કાયદો હોવો જોઇએ એમ પાંડેએ ઉમેર્યું હતું.ઇન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧નુ સ્થાન લેનારા આ નવા કાયદાનો મુસદ્દો છેલ્લાં છ મહિના દરમ્યાન તૈયાર કરાયો હતો, કરદાતાઓ તેને આસાનીથી સમજી શકે તે માટે તેની ભાષાને શક્ય હોય એટલી સાદી અને સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે એમ પાંડેએ કહ્યું હતું.SS1MS