સમગ્ર રાજ્યમાં 40 કરોડના ખર્ચે નવીનતમ 107 GSRTCની બસોનો ઉમેરો
અમદાવાદના રાણીપ ખાતે GSRTCની નવીન 47 બસોનું લોકાર્પણ
દિવાળીના તહેવાર નિમિત્તે પ્રજાની સુખાકારી માટે GSTRC દ્દ્વારા પાછલા 15 દિવસમાં 107 નવીનતમ બસોનું રાજ્યના વિવિધ સ્થળોએ લોકાર્પણ કરવામાં આવ્યું: શ્રી હર્ષભાઈ સંઘવી
રાજ્યના છેવાડાના માનવીને અસર કરતી જાહેર પરિવહનની સેવાઓમાં ઉમેરો કરતી GSRTCની નવીનતમ બસો
અમદાવાદના રાણીપ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની નવીન 47 બસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અધ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાની આધારશીલા ગણાવી છે ત્યારે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વાહન વ્યવહાર ખાતા અને એસ. ટી. નિગમ દ્વારા રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડવા માટે નવીન બસોનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પ્રજાની સવલતોમાં વધારો કરતી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એસ.ટી. નિગમ વિવિધ તહેવાર અને ધાર્મિક મેળાઓમાં વધારાની એસ. ટી. બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ લોકાર્પિત નવીન બસો લોકોને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પૂરી પાડશે અને વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો પ્રજાની સેવામાં સહભાગી બનશે, તેમ શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એસ. ટી. નિગમ દ્વારા માત્ર 10 દિવસના સમયગાળામાં 101 નવીન બસો સંચાલનમાં મૂકવાના નિર્ધારિત લક્ષ્યાંક સામે અંદાજિત કિંમત રૂ. 40 કરોડથી વધુની 107 નવીન બસો સમગ્ર રાજ્યમાં લોકર્પિત કરવામાં આવી છે.
અગાઉ 3 નવેમ્બરના રોજ શંખેશ્વર ખાતે 15 બસો, 5 નવેમ્બરે સુરત ખાતે 20 બસો તથા 8 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી 25 નવીનતમ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન બસોમાં દરેક સ્લીપર બસની કિંમત રૂ. 42 લાખ તથા સુપર એક્સપ્રેસ બસની કિંમત રૂ. 38 લાખ છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં સર્વે ધારાસભ્યો શ્રી હર્ષદભાઈ પટેલ અને જીતુભાઈ ભગત તથા એસ. ટી. નિગમના મેનેજીંગ ડિરેકટર શ્રી તથા એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાજર રહ્યા હતા.