૪૦માં માળેથી નીચે આવતા લિફ્ટ તૂટી- ૭ મજૂરોના મોત
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાલકુમ વિસ્તારમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં લિફ્ટ પડવાથી સાત લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં મજૂરો સામેલ છે, જે ૪૦ માળની ઈમારતમાં કામ કરીને નીચે આવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું.
દુર્ઘટનામાં ઘાયલો લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મૃતકોની ઓળખાણ ૩૨ વર્ષિય મહેન્દ્ર ચૌપાલ, ૨૧ વર્ષિય રુપેશ કુમાર દાસ, ૪૭ વર્ષિય હારુન શેખ, ૩૫ વર્ષિય મિથિલેશ, ૩૮ વર્ષિય કરીદાસ અને ૨૧ વર્ષિય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખાણ હાલમાં થઈ શકી નથી.
થાણે નગર નિગમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ સાત મજૂરો સવાર હતા અને આ તમામને મૃતક જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનામાં મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટિ્વટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આપને જણાવી દઈએ કે, ગત રવિવારે સાંજે થાણેના બાલ્કમ વિસ્તારમાં એક ૪૦ માળની ઈમારતની લિફ્ટ અંડરગ્રાઉન્ડ ૩ માળના બેસમેન્ટમાં પડી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, થાણે શહેરના રુનવાલ કોમ્પ્લેક્સ નામની ઈમારતમાં સવારે ૫.૩૦ થી ૬.૪૫ની વચ્ચે આ ઘટના થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે, ઈમારતની છત પર વોટરપ્રુફીંગનું કામ ચાલી રહ્યું હતું.