સમયના વમળમાં ફસાઈ રાજકુમાર અને અભિનેત્રી વામિકાની લવસ્ટોરી

મુંબઈ, રાજકુમાર રાવ અને મેડોકના દિનેશ વિજાનની જોડીએ ‘સ્ત્રી ૨’માં કમાલ કરી બતાવી હતી. હવે આ જોડી ફરી એક વખત નવા વિષય અને નવી ફિલ્મ સાથે આવી રહી છે. તેમજ હાલ મેડોક ફિલ્મ્સની ‘છાવા’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
આ અગાઉ કેટરિના કેફ અને સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ ‘બાર બાર દેખો’ આ પ્રકારના નવા વિષય પર આવી હતી, જોકે, તે ખાસ સફળ રહી નહોતી. હોલિવૂડની ફિલ્મમાં તો દર્શકો મલ્ટીવર્સ અને ટાઇમલૂપની ફિલ્મો જોઈ ચૂક્યા છે, પરંતુ જો બોલિવૂડમાં કોઈ નોન સાયન્ટિફિક ફિલ્મમાં કોઈ ટાઇમ લૂપમાં ફસાઈ જાય તો કેવું થાય એ ‘ભુલ ચૂક માફ’માં જોવા મળશે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી પણ પહેલી વાર જોવા મળશે. હાલ આ ફિલ્મનું ટીઝર લોંચ થયું છે, ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થશે.
‘ભુલ ચૂક માફ’ એક ખુબ રમુજી વાત કરે છે, જેમાં વારાણસીની એક નાના ગામની વાર્તા છે. જેમાં એક રોમેન્ટિક રંજન પોતાની પ્રેમિકા તિતલી સાથે લગ્ન કરવા માટે થઈને એક સરકારી નોકરી લઈ લે છે. પરંતુ લગ્ન પહેલાં કેટલીક એવી ઘટનાઓ બને છે કે રંજનનાં જીવનમાં ઉથલ-પાથલ મચી જાય છે.
રાજકુમમાર રાવ વામિકા ગબ્બી સાથે લગ્ન કરી રહ્યો છે, તે ખુબ ઉત્સાહમાં છે, તેને ૨૯ તારીખે પીઠી લાગે છે અને બીજા દિવસે લગ્નના સપના જોઈને તે સુઈ જાય છે. સવારે ઉઠે ત્યારે કમાલ થઈ જાય છે, ૩૦ના બદલે ૨૯ તારીખ જ રહે છે. આમ એનો લગ્નનો દિવસ આગળ વધતો જ નથી.
આમ રાજકુમાર એક વિચિત્ર ટાઇમલૂપમાં ફસાઈ ગયો છે.આ ફિલ્મનું ટીઝર લોંચ કરતાં મેડોક દ્વારા એક્સ પર લખાયું હતું, “દિન હે ઉનતીસ યા તીસ? ફર્ક હે બસ ઉન્નીસ બીસ! પર હે ક્યા મસલા? જાનીયે ૧૦ એપ્રિલ કો ઇન સિનેમાઝ, તબ તક ભુલ ચૂક માફ હો.”
આ પહેલાં મેડોક તરફથી નાના શહેરની અને લગ્નની આસપાસની પરિસ્થિતિથી કોમેડી કરતી ‘લુકા છુપી’, ‘ઝરા હટકે ઝરા બચકે’ જેવી ફિલ્મો આવી ચૂકી છે.
હવે આ ફિલ્મ પણ ઘણા અલગ વિષય સાથે આવી છે. તેમાં રાજકુમાર રાવ સ્ત્રી જેવો જાદુ કરી શકે છે કે નહીં તે જોવાનું. કરણ શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ મેડોકની આ વર્ષની ત્રીજી મોટી રિલીઝ છે. રાજકુમાર રાવ આ વર્ષે ‘માલિક’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘ટોસ્ટર ઓન ધ હોરાઇઝન’માં જોવા મળશે. જ્યારે વામિકાની ‘બૅબી જોહ્મ’ રિલીઝ થઈ ચૂકી છે.SS1MS