4 વર્ષ બાદ બળાત્કારનો ગુનો દાખલ થતાં પોલીસ પણ વિચારમાં પડી ગઈ
છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક અને તેના પરિવારે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો-પ્રેમિકાને લગ્નની લાલચ આપી 24 લાખ પડાવીને પ્રેમી વિદેશ ભાગી ગયો
અમદાવાદ, કેટલાક શાતીર યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરવાના ધંધા કરતા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાય છે. પ્રેમમાં પાગલ યુવતી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર પ્રેમીને ધન દોલત આપી દેતી હોય છે પરંતુ જ્યારે પ્રેમી પોતાનો અસલી રંગ બાવે છે ત્યારે યુવતીના પણ નીચેથી જમીન સરકી જાય છે.
શહેરના ચાંદેખડા પોલીસ સ્ટેશનમાં એક એવી ઘટના નોંધાઈ છે જેમાં યુવતીએ પ્રેમીએ કરેલા અત્યાચારનો પર્દાફાશ કર્યો છે. છ વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ પ્રેમીએ યુવતી પાસેથી ર૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં કેનેડા નાસી ગયો હતો.
યુવતીએ સમગ્ર હકીકત તેના પતિને કહેતાં અંતે તેના પતિએ તેને સાથ આપ્યો હતો અને પ્રેમી તેમજ તેના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં થયેલો પ્રેમ ઘણી વખત મુસીબત નોંતરતો હોય છે. આવી જ એક મુસીબત સુરેન્દ્રનગરમાં રહેતી એક યુવતી પર આવી પડી છે.
સુરેન્દ્રનગરમાં રહેતી યુવતી વર્ષ ર૦૧૪મં ફેસબુક પર સાબરમતીના કવિતા ફ્લેટમાં રહેતા સંકેત રાવલ નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે ફેસબુકના મેસેન્જરમાં વાતચીતનો દોર શરૂ થયો હતો અને જાેતજાેતામાં બંને પ્રેમમાં પડી ગયા હતા.
સંકેતે યુવતી સાથે લગ્ન કરવા નું પ્રોમિસ આપ્યું હતું અને બાદમાં અલગ અલગ જગ્યા પર રિલેશન બાંધ્યા હતા. છ વર્ષના પ્રેમ સંબંધમાં સંકેતે યુવતી સાથે તેના ઘરે, ચાંદખેડા ખાતે આવેલી હોટલ ટ્યૂનમાં તેમજ અડાલજની નર્મદા કેનાલ અને વડોદરાની હોટલમાં લઈ જઈને સંબંધ બાંધ્યા હતા. બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા
અને બાદમાં સંકેત અને તેના પરિવારને પોતાનો રંગ બતાવ્યો હતો. જ્ઞાતિનો મુદ્દો વચ્ચે લાવીને સંકેતના માતા પિતાએ યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. યુવતીને ખબર પણ ના રહી અને સંકેત ચૂપચાપ કેનેડા જતો રહ્યો હતો. યુવતીના સંકેત સાથે લગ્ન કરવાના અરમાન અધૂરા રહી ગયા હતા
અને બંને વર્ષ ર૦૧૯માં અલગ થઈ ગયા હતા. ગઈ કાલે યુવતી અચાનક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ સાથે પહોંચી ગઈ હતી અને સંકેત તેમજ તેના પિતા કેતનકુમાર, માતા ઈલાબહેન અને દિયર અનિકેત વિરૂદ્ધ બળાત્કાર તેમજ વિશ્વાસઘાત અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.
ઘટનાના ચાર વર્ષ બાદ બળાત્કારનો ગુનો દાખલ થતાં પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. સંકેત હાલ કેનેડામાં છે અને તેના માતા-પિતા, ભાઈ સાબરમતી રહે છે. સંકેતને જ્યારે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો ત્યારે તેને દેવું થઈ ગયું હતું તેથી તેણે ર૪ લાખ રૂપિયા યુવતી પાસેથી પડાવી લીધા હતા. યુવતીએ પ્રેમ સંબંધના કારણે સંકેતને ર૪ લાખ રૂપિયા આપી દીધા હતા અને બાદમાં તે કેનેડા નાસી ગયો હતો.