Western Times News

Gujarati News

પ્રેમીએ પ્રેમિકાને પામવા તેના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી

અમદાવાદ, શહેરના કઠવાડા વિસ્તારમાં રહેતા એક ૨૧ વર્ષીય શખસે પોતાની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. પ્રેમીએ ગઈ ૫ જાન્યુઆરીના રોજ પ્રમિકાના પતિનું ગળુ કાપીને હત્યા કર્યા બાદ એક ખેતરના લાશ કૂવામાં ફેંકી દીધી હતી, એવું રવિવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં મૃતકનું નામ ૨૮ વર્ષીય મયુર લક્કડ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મયુરની પત્ની મિરલ, તેની બહેનપણી ખુશી અને મિરલના પ્રેમી અનસ મન્સુરીનો સમાવેશ થાય છે.

રવિવારે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મયુરના પિતા ગોબર લક્કડ કે જેઓ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના રહેવાસી છે. તેઓએ ફરિયાદમાં કહ્યું છે કે, મયુરે ૧૦ દિવસ પહેલાં જ પોતાની પત્ની મિરલના લગ્નેત્તર સંબંધની વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, મયુર કે જે કૃષ્નાનગરમાં રહે છે અને રિક્ષા ડ્રાઈવર છે.

તેણે ૨૦૧૪માં મિરલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓને બે બાળકો છે, જેમાંથી એકની ઉંમર પાંચ અને બીજા બાળકની ઉંમર ત્રણ વર્ષ છે. તેઓએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, ૧૦ દિવસ પહેલાં મયુર અને મિરલ રાજસ્થાન ખાતે ફરવા માટે ગયા હતા. એ સમયે મયુરે તેમને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મિરલનું અનસ મન્સુરી નામના શખસ સાથે સંબંધ છે.

અનસ મન્સુરી અને ખુશીએ તેને ધમકી આપી હતી કે, જાે તે મિરલને નહીં છોડે તો તેને મારી નાખીશું. મૃતકના પિતાએ પોલીસને એવું પણ જણાવ્યું કે, મયુરે છેલ્લે તેમને ૫ જાન્યુઆરીના રોજ સાંજે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાના બે બાળકો સાથે મૂળ વતન વિરડી જઈ રહ્યો છે અને મિરલે સાથે આવવા માટે ઈનકાર કર્યો છે. એ પછી મયુરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

એટલે તેઓએ મિરલને ફોન કર્યો હતો, પણ ફોન ખુશીએ ઉપાડ્યો હતો. ખુશીએ કથિત રીતે એવું કહ્યું કે મયુર કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક જતો રહ્યો છે. એટલે ૬ જાન્યુઆરીના રોજ તેઓ પોતાના સંબંધીઓ સાથે મયુરને શોધવા માટે કૃષ્ણનગરમાં તેના ઘરે પહોંચ્યા હતા.

ત્યારે મિરલે નાટક કર્યુ કે તે જાણતી નથી કે મયુર ક્યાં ગયો છે. જ્યારે તેઓ પોતાના બે પૌત્ર અને પૌત્રીઓને જાેઈને રડવા લાગ્યા ત્યારે મિરલે એવો દિલાસો આપ્યો કે મયુર જલ્દી ઘરે આવી જશે. એ પછી તેઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને મયુરને શોધવાની વાત કરી હતી.

જ્યારે પોલીસે અનસ મન્સુરી અને ખુશીની કડક પૂછપરછ કરી તો તેઓ પડી ભાગ્યા હતા અને કબૂલાત કરી હતી કે, તેઓએ મયુરની હત્યા કરી નાખી છે. એ પછી નિકોલ પોલીસે મયુરની હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. જાટે જણાવ્યું કે, જ્યારે મિરલ અને ખુશીએ મન્સુરીને કહ્યું કે મયુર તેના પિતાના ઘરે જઈ રહ્યો છે એટલે તે મયુરને મળવા માટે આવ્યો હતો.

ગઈ ૫મી જાન્યુઆરીની સાંજે મન્સુરી મયુરને મિરલ સાથેના અફેરના મુદ્દે ઉકેલ લાવવા માટે કઠવાડા લઈ ગયો હતો. મન્સુરી મયુરને એક સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો અને બાદમાં ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. બાદમાં કઠવાડામાં આવેલા એક ખેતરના કૂવામાં લાશ ફેંકી દીધી હતી. પીઆઈ જાટે એવું પણ જણાવ્યું કે, ખુશી દ્વારા મન્સુરી અને મિરલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ખુશી મિરલની જૂની મિત્ર છે. ખુશી ૨૦૧૮માં ઈન્સ્ટાગ્રામ દ્વારા મન્સુરીના સંપર્કમાં આવી હતી અને પછી મિત્રો બન્યા હતા. ખુશીએ બે મહિના પહેલાં જ મિરલનો સંપર્ક મન્સુરી સાથે કરાવ્યો હતો. આટલા ટૂંકા સમયગાળામાં બંને એકબીજાની નજીક આવ્યા હતા અને સાથે રહેવા માગતા હતા.

એટલે તેઓએ મિરલને મયુરથી છૂટી પાડવા માટે પ્લાન બનાવ્યો હતો. આખરે ત્રણેય આરોપીઓએ મયુરની હત્યાનો પ્લાન બનાવ્યો અને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને સગેવગે કરી હતી. નિકોલ પોલીસે મન્સુરી, મિરલ અને ખુશીની ધરપકડ કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.