Western Times News

Gujarati News

યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઈની હસીનાઓનો માસ્ટર પ્લાન

હની ટ્રેપ કરતાં પણ ખતરનાક ખેલ શરૂ, યુવતીઓ પહેલાં યુવાઓને ડ્રગ્સના આદી બનાવે છે, ત્યાર બાદ પેડલર્સ બનવા મજબૂર કરે છે

અમદાવાદ, હુસ્નની જાળમાં ફસાવીને લાખો કરોડો રૂપિયા પડાવતા હની ટ્રેપના ખેલ કરતાં પણ ખતરનાક કહી શકાય તેવો ખેલ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે, જે આવનારી યુવાપેઢીને બરબારીના રસ્તે ચઢાવી રહ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે થોડા દિવસ પહેલાં એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક સ્વરૂપવાન યુવતી સહિત ચાર યુવાઓની ધરપકડ કરાઈ હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ યુવતી પોતાના હુસ્નની જાળમાં ફસાવતી હતી.

ત્યાર બાદ તેમને ડ્રગ્સના એડિક્ટ બનાવીને પેડલર્સ બનાવતી હતી. યુવાઓ ડ્રગ્સના એડિક્ટ બને તે માટે કેટલીક સ્વરૂપવાન યુવતીઓ મુંબઈથી અમદાવાદ આવી છે અને નિર્દોષ યુવાઓને ફસાવી રહી છે. શહેરમાં એમડી ડ્રગ્સનું દૂષણ નાથવા માટે પોલીસના નાકે દમ આવી ગયો છે, કારણ કે જેટલા પેડલર્સ ઝડપાય છે તેનાં કરતાં વધુ પેડલર્સ બનીને બહાર આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ અવારનવાર ડ્રગ્સની સિન્ડિકેટનાં સૂપડાં સાફ કરી દે છે, પરંતુ સમય જતાં બીજી સિન્ડિકેટ બની જાય છે.

મુંબઈના ડ્રગ્સ માફિયાઓની નજર અમદાવાદના યુવાઓ પર છે તે કોઈ પણ ભોગે તેમને ડ્રગ્સના રવાડે ચઢાવવા માગે છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ માફિયાઓએ મુબઈની કેટલીક સ્વરૂપવાન યુવતીઓને તૈયાર કરી છે, જે એમડી ડ્રગ્સનો નશો કરતી હોય અને પોતે રૂપિયાની લાલચે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય. આવી યુવતીઓને સ્પેશિયલ ટ્રેનિગ આપીને અમદાવાદ મોકલવામાં આવે છે. શહેરના એસજી હાઈવે તેમજ સિંધુ ભવન જેવા પોશ વિસ્તારમાં આવેલા કાફે પર યુવતીઓ યુવાઓ સાથે દોસ્તી કરે છે. ત્યાર બાદ તેમને પ્રેમજાળમાં ફસાવે છે.

પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ યુવાઓને એમડી ડ્રગ્સના રવાડે ચઢાવે છે. યુવાઓ પાસે જ્યારે એમડી ડ્રગ્સ ખરીદવાના પૈસા ના હોય ત્યારે તેમને પેડલર્સ બનાવી દેતા હોય છે. અમદાવાદમાં લાલબત્તી સમાન આ ઘટનાનો પર્દાફાશ થોડા દિવસ પહેલાં એસઓજીની ટીમે કર્યો હતો. એસઓજી ક્રાઈમ મોડી રાતે ખાનપુર વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડીને ૨.૯૬ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે.

કારમાં બેસીને યુવતી અને ત્રણ યુવકો એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી એસઓજીની ટીમે એકદમ ચતુરાઈપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઈ એ.ડી. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે ખાનપુર પાસે કેટલાક શખ્સો કારમાં બેસીને એમડી ડ્ર્‌ગ્સનું જાહેરમાં વેચાણ કરી રહ્યા છે.

બાતમીના આધારે એસઓજીની ટીમ ખાનપુર પહોંચી ગઈ હતી અને એક આઈ-૨૦ કારને કોર્ડન કરીને ઘેરી લીધી હતી. કારમાં એક યુવતી સહિત ચાર લોકો બેઠા હતા, જેમની પાસેથી એસઓજીની ટીમને એમડી ડ્રગ્સ મળ્યું હતું. એસઓજીએ રહેનુમા ઉર્ફે સીઝા ખાન (રહે. જીવદાની બિલ્ડિંગ,થાણે), શાહબાઝખાન પઠાણ (રહે. રૂસ્તમ અલીનો ઢાળ, ખાનપુર), જૈનિષ દેસાઈ (રહે. ચૈતન્ય સોસાયટી, નવરંગપુરા), અંકિત શ્રીમાળી (રહે. રણછોડ ખડકી શાહપુર)ની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.