યુવાને પોતાની સગી બહેનની નણંદને ભગાડી લગ્ન કરી લેતાં મામલો બિચકયો
વેવાઈએ વેવાઈ પર સમાધાન કરતી વખતે હુમલો કર્યો
મહેસાણા, વડનગર તાલુકાના ઉડણી ગામનો યુવાને પોતાની સગી બહેનની નણંદને ભગાડી લગ્ન કરી લેતાં બંને પક્ષે મનદુઃખ થતાં મામલો બિચકયો હતો. આ મામલે સામાજિક સમાધાન કરવા ઉડણીમાં યુવાનના ઘરે ભેગા થયેલ બંને પક્ષના પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયુ હતું. જેમાં યુવતીના પિતાએ છરીથી હુમલો કરી વેવાઈને ઈજાગ્રસ્ત કરતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જયારે સામા પક્ષે પણ તેમના ઉપર હુમલો અને વાહનોની તોડફોડ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. વડનગર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આઠ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વડનગરના ઉડણી ગામમાં પરિવાર સાથે રહેતા વિનોદભાઈ શામળભાઈ પરમારની દિકરી હસુમતીબેનને ખેરાલુના મોટી હીરવા ગામના પ્રહલાદભાઈ કેશાભાઈ પરમારના દિકરા સાથે લગ્ન કર્યા હતા. એકાદ મહિના પહેલા વિનોદભાઈના મોટા દિકરા અનીલને પોતાની બહેન હસુમતીબેનની નણંદ પણાબેન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કરી લઈ ઉંડણી આવ્યા હતા.
આ અંગેની જાણ વેવાઈ પ્રેહલાદભાઈને થતા તેઓ આ સંબંધથી નારાજ હતા ઉપરોકત મામલે સમાધાન કરવા ગત બુધવારે કેટલાક સગાઓને લઈ પ્રહલાદભાઈ વાહન લઈ વેવાઈના ઘરે ઉંડણી આવ્યા હતા.
ઉપરોકત બંને વેવાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં પ્રહલાદભાઈએ છરીથી પોતાના વેવાઈ વિનોદભાઈ ઉપર હુમલો કરતાં તેઓને ઈજા પહોંચી હતી જયારે પ્રેમલગ્ન કરનાર અનીલ અને પણાને મારી નાંખવાની ધમકી આપતા વિનોદભાઈના પરિવારજનોએ વેવાઈના વાહનોની તોડફોડ કરી મારામારી કરી હતી. ઉપરોકત હુમલાની ઘટનામાં બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી.