Western Times News

Gujarati News

સિવિલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટે હોસ્પિટલની કોર ટીમની મદદ્થી શરૂ કર્યો બદલાવનો દૌર !

૧ જુલાઇ – ડૉકટર્સ ડે સ્પેશિયલ:  બાળરોગ સર્જને સિવિલ હોસ્પિટલની સેવાનું સુકાન સંભાળીને આરોગ્યલક્ષી સુવિધાઓનું નવસર્જન કર્યું

સરકારી હોસ્પિટલમાં વેલેટ પાર્કિંગ, હોસ્પિટલમાં આંતરિક અવરજવર માટે પોલો કાર, મેડિસીટી કેમ્પસમાં દર્દીને રીફર કરવા એમ્બ્યુલન્સ સેવા, મેડીસીટી કેમ્પસમાં આવેલ અન્ય હોસ્પિટલોમાં  દર્દીના સગાઓને આવવા-જવા માટે ટેમ્પો ટ્રાવેલર બસ તેમજ ઇ રીક્ષાની સુવિધા,

દર્દીઓના રેફરન્સ દર્દીની પથારીએ આવી ને જ જોવાય તે માટે રેફરન્સ પોર્ટલ, ઓનલાઇન પેમેન્ટની સુવિધા  તેમજ ટ્રોમા સેન્ટર ખાતે આવતા દર્દીઓને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા ટ્રોમા ઇન્ચાર્જ તેમજ ટ્રોમા કંટ્રોલ રુમની શરુઆત કરવા જેવી નવીનત્તમ પહેલ હાથ ધરી

બિનવારસી દર્દીઓ માટે દરરોજ સાયકોલોજીસ્ટની વિઝીટ, બિનવારસી વોર્ડમાં ફિઝીયોથેરાપીસ્ટ સહિત પ્રવર્તમાન વધતા રોગોની સારવાર અર્થે નવીન ઓ.પી.ડી. સેવાઓની શરૂઆત

સરકારી હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃતિને વેગવંતી બનાવી – જેના પરિણામે સમગ્ર રાજ્યમાં અંગદાનનો વ્યાપ વધ્યો

Ø  ડૉ.જોષીના ૨૧ મહિનાના કાર્યકાળમાં ૧૧૦ અંગદાન થયા

Ø  આઇસીયુ ના બેડ ૮૫ થી વધારી ૧૧૦ જેટલા કરવામાં આવ્યા ?

Ø  ૨૮૯૬ લોકોએ વેલેટ પાર્કિંગ સેવાનો લાભ મેળવ્યો

Ø  ૨૬૧૮૯ દર્દીઓને એમ્બ્યુલન્સ સેવાથી મેડિસીટીની અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે રીફર કરાયા

Ø  કુલ ૧૫૧૭૪૪ દર્દીઓના રેફરન્સ સિવિલ રેફરન્સ પોર્ટલ ના માધ્યમથી દર્દીની પથારી એ જઇ તપાસવામાં આવ્યા

Ø  કુલ ૩૫૨૩ જેટલા એસએમએસ મોકલી લાંબી માંદગી વાળા દર્દીઓ ને ફોલો-અપ માટે સામેથી યાદ કરી સારવાર અર્થે બોલાવવામાં આવ્યા

Ø  બિનવારસી દર્દીઓ માટે દરરોજ ફીઝીયોથેરાપીસ્ટની વિઝીટ ગોઠવી કુલ ૨૭૩૭ સેશન કરી ૩૧૦ જેટલા દર્દીઓ ને ફીઝીયોથેરાપી કરવામાં આવી

૧ લી જુલાઇ સમગ્ર વિશ્વમાં ડૉક્ટર્સ ડે તરીકે ઉજવાય છે. આજના સમાજના કલ્યાણ અર્થે અને લોકોને પીડામુક્ત કરવા દિવસ રાત આપણી સેવામાં સેવારત તબીબોની નિષ્ઠા અને કામગીરીને બિરદાવી શકાય છે.

આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક એવા જ તબીબની વાત કરવી છે કે જેઓ બાળરોગ સર્જન છે પરંતુ સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા તેમણે સિવિલમાં નવીનત્તમ સેવાઓનું નવસર્જન કર્યું.

સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી બાળરોગ સર્જરી વિભાગમાં ફરજ બજાવતા અને હાલ બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કે જેઓ કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલના એડિશન મેડિકલ સુપ્રીટેન્ડન્ટ હતા.

કોરોનાકાળમાં પણ અધિક તબીબી અધિક્ષક તરીકે સરાહનીય સેવાઓ આપ્યા બાદ પહેલી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ તેઓને સિવિલ હોસ્પિટલમાં સેવાનું સુકાન સોંપવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલમાં સેવાનું સુકાન સંભાળ્યા બાદ તેઓએ સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ગુણવતાસભર સેવાઓની સાથે હોસ્પિટાલીટી પર પણ ધ્યાન કેન્દ્રીત કરીને ઘરખમ બદલાવ હાથ ધર્યા.

રાજ્ય સરકાર,સમગ્ર આરોગ્ય વિભાગ, સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તેઓએ સિવિલ હોસ્પિટલમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો.

સૌપ્રથમ કોરોનાકાળની વચ્ચે તેઓએ અંગદાનની સેવાકીય પ્રવૃતિને વેગવંતી બનાવી. તેમના ૨૧ મહિનાના કાર્યકાળમાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ જેટલા અંગદાન થયા. ડૉ. જોષીના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલની ટીમે આદરેલી અંગદાનની સેવાકીય પ્રવૃતિની સુવાસ સમગ્ર રાજ્યમાં પ્રસરી અને આજે સમગ્ર રાજ્યમાં અંગદાનની પ્રવૃતિ વેગવંતી બની છે.

કોઇએ લગીરેય વિચાર્યું ન હોય તેવું સરકારી હોસ્પિટલમાં વેલેટ પાર્કિંગની સુવિધા કાર્યરત બનાવી. જેમાં અત્યારસુધીમાં ૨૮૯૬ જેટલા લોકોએ લાભ મેળવ્યા. સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આ સેવા – સુવિધાઓના પરિણામે આજે ગરીબ અને મધ્યમવર્ગીય ઉપરાંત માલેતુજાર વર્ગ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા આવે છે.

સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય તેમજ રાજ્ય બહાર થી વેન્ટીલેટર તેમજ સઘન સારવારની જરુરીયાત વાળા ખુબજ ગંભીર દર્દીઓ આવતા હોય છે આવા દર્દીઓ ને આઇ સીયુ બેડ વહેલામાં વહેલી તકે મળે અને તેઓને ઓછા માં ઓછો સમય અમ્બુ બેગ ઉપર રહેવુ પડે તે માટે દર્દીઓ ના દર્દની સંવેદના અનુભવતા ડો. જોષી એ સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બેડની સંખ્યા ૮૫ થી વધારી ૧૧૦ ની કરવાનુ ભગીરથ કામ કર્યુ છે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આંતરિક અવર-જવર માટે તેમણે પોલો કારની સુવિધા શરૂ કરાવી.

વધુમાં હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીને જ્યારે કેમ્પસની અન્ય હોસ્પિટલમાં રીફર કરવાના હોય તેવા એક્પણ દર્દીને પોતાના દર્દની સાથે ગરમી, ઠંડી તેમજ વરસાદ જેવી વિષમ પરિસ્થિતિઓમાં સ્ટ્રેચર કે વ્હીલચેર માં ન જવુ પડે તે માટેની દરકાર કરી તેમણે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી જેનો લાભ અત્યારસુધીમાં ૨૬૧૮૯ જેટલા દર્દીઓ મેળવી ચૂક્યા છે.

શારીરિક સારવાર ઉપરાંત દર્દીને માનસીક હુંફ, સ્નેહ મળે તો તેની પણ દર્દીના દર્દને દૂર કરવામાં મહત્વ બની રહે છે આ અભિગમ સાથે તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે દરરોજ સાયકોલોજીસ્ટની મુલાકાત શરૂ કરાવી.

બિનવારસી વોર્ડમાં ફિઝીયોથેરાપીસ્ટની સેવા સાથે ડાયાબેટીક ફુટ ક્લીનીક, પીડિયાટ્રીક એન્ડોક્રાઇન ઓ.પી.ડી. અને જીનેટીક કાઉન્સેલીંગ ઓ.પી.ડી. ની શરૂઆત કરાવી.

વધુમાં સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઉપકરણો અને સેવાઓ માટે રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગ ઉપરાંત, વિવિધ સેવાભાવી સંસ્થાઓમાંથી CSR હેઠળ માતબર રકમનું દાન મેળવીને પણ સરકારી હોસ્પિટલમાં વિવિધ સેવા અને સુવિધાઓમાં વધારો કર્યો.

મેડિકલનો અભ્યાસ કરીને દર્દીઓ ની સારવાર કરતા તબીબો જ્યારે હોસ્પિટલના વ્યવસ્થાનની કમાન સંભાળે ત્યારે કેવા પરિણામ મળી શકે તેનું ડૉ. જોષી અને તેમની ટીમે જવલંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ઇચ્છા શક્તિ, કુશન નેતૃત્વ, નવૌન્મેષ વિચારો, સૌને સાથે લઇને ચાલવાનો ભાવ, દ્રઢ મનોબળ, વહીવટી પારદર્શિતા ના ગુણો સાથે આજે ડૉ. જોષી અને ટીમે સિવિલ હોસ્પિટલનો શ્રેષ્ઠત્તમ વહીવટ કરીને હજારો દર્દીઓને ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલ એક સેવાનું ધામ હોય તેવી અનુભૂતિ કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.