કાશ્મીરમાં જોઝિલા પાસમાં પારો ગગડી માઈનસ ૨૭ પર પહોંચ્યો
હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે.
(એજન્સી)જમ્મુ, કાશ્મીરમાં સિઝનની સૌથી કાતિલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાના કારણે હજારો વાહનો અટવાઈ જતાં પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧.૨ મીમી વરસાદ ખાબક્યો છે, જેણે ૧૦૧ વર્ષનો ઈતિહાસ તોડયો છે. હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજાવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે તથા હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે.
પરિણામે અનંતનાગમાં ૨૦૦૦થી વધુ વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ હાઈવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ગયા છે. આમ, જમ્મુ-કાશ્મીરમાં બે નેશનલ હાઈવે અને અટલ ટનલ બંધ થઈ ગયા છે. બનિહાલ-બારામુલ્લા સ્ટેશન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવાઈ હતી. કાશ્મીરમાં આ સિઝનમાં એટલો બરફ પડયો છે કે પર્વતોથી લઈને મેદાની પ્રદેશો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.
કુલગામ જિલ્લાના કેટલાક ગામોમાં ૩ ફૂટ જેટલા બરફના થર જામી ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીના સમય ચિલ્લાઈ કલાને જોર પકડયું છે. જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જોડતા જોઝિલા પાસ પર તાપમાન ગગડીને માઈનસ ૨૭ ડિગ્રી થઈ ગયું હતું. ખરાબ હવામાનના કારણે શ્રીનગર એરપોર્ટ પરથી પાંચ ફ્લાઈટનું ઉડ્ડયન રદ કરાયું હતું.
દક્ષિણ કાશ્મીરમાં ભારેથી અતિભારે જ્યારે મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. કાશ્મીરમાં હવામાન એટલું ખરાબ થઈ ગયું છે કે રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ અધવચ્ચે ફસાયા હતા.