‘ઓમ શાંતિ’ના મેસેજ ચાલતા હતા અને આધેડ જીવિત નીકળ્યા
નડિયાદ, ગાંધીનગરનજીક એક ગામમાં રહેતા આધેડને બીમારીના પગલે પથિકાશ્રમ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ફરજ પરના તબીબીઓ સારવાર શરૂ કરી, પરંતુ થોડા સમયમાં જ આધેડને નહી બચાવી શકયાનો અફસોસ વ્યકત કર્યો હતો.
પરિવારજનોએ આધેડના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી અને વોટ્સએપ પર ઓમ શાંતિના મેસેજ પણ શરૂ થઈ ગયા. સ્ટ્રેચર પર સુવાડી સીધા સ્મશાન જવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન તેમની આંગળીઓમાં અચાનક સળવળાટ દેખાયો હતો અને બાદમાં હાથ પણ હલ્યો હતો.
કેટલાક નિકટના લોકો અંતિમધામ ખાતે પહોંચી ગયા હતા તેમણે મૃતદેહ આવી રહ્યો હોવાનું કહીને લાકડા મુકાવી દીધા હતા. પૂળા-છાણ અને ઘી સહિતની વસ્તુઓ લાવી દેવાઈ હતી. અંતિમક્રિયાની તૈયારી માટે પહોંચેલા લોકો શબવાહિનીની રાહ જાેઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ જીવિત હોવાના સમાચાર મળ્યા હતા.
જેથી જે લોકો સ્મશાનમાં રાહ જાેઈ રહ્યા હતા તેઓ સીધા હોસ્પિટલ દોડયા હતા. પોતે જેને મૃત સમજી રહ્યા છે તે વ્યક્તિ જીવિત હોવાનું ધ્યાનમાં આવતા પરિવારજનો તાત્કાલિક તેમને નજીકમાં આવેલી અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં તેઓ હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાને કુદરતનો ચમત્કાર કહેવો કે તબીબની ભૂલ કહેવી ? તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.