સ્ટેશન પર માત્ર ૩૦ સેકન્ડ ઉભી રહેશે મેટ્રો ટ્રેન
અમદાવાદ, મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયા બાદ અમદાવાદ મેટ્રો ટ્રેનનો થલતેજ-વસ્ત્રાલનો રુટ ૦૨ ઓક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખૂલ્લો મૂકી દેવાશે. જ્યારે વાસણા એપીએમસીથી મોટેરાનો રુટ ૦૬ ઓક્ટોબરના રોજ ખૂલ્લો મૂકાશે.
૩૨ કિલોમીટરનો આ રુટ કવર કરવામાં મેટ્રોને માત્ર ૩૫ મિનિટનો સમય લાગશે. દેશમાં પહેલીવાર અંડરગ્રાઉન્ડ અને સાઈડ ઈલેક્ટ્રીક કનેક્શન અમદાવાદ મેટ્રોમાં યુઝ થયા છે. ટ્રાફિકજામથી ત્રસ્ત અમદાવાદીઓ મેટ્રોને લઈને ખાસ્સા ઉત્સાહિત છે, ત્યારે આ ટ્રેન કેટલીવારમાં કેટલું અંતર કાપશે તેમજ ભાડું કેટલું હશે તેના વિશે પણ લોકોમાં ખાસ્સી ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
શરુઆતમાં મેટ્રો સવારે ૯ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી જ ચાલશે. મેટ્રોના ટાઈમટેબલને લઈને અમદાવાદીઓને અનેક પ્રશ્ન થઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોનું કહેવું છે કે આગામી સમયમાં મેટ્રોમાં પેસેન્જર્સનો ધસારો કેવો રહે છે તેને જાેતા સમયમાં જરુર પડ્યે ફેરફાર કરવામાં આવશે. વળી, હાલ દરેક રુટ પર દર અડધો કલાકે મેટ્રો મળશે, આ ગાળો પણ ઘટાડીને ૧૫-૨૦ મિનિટ કરવામાં આવી શકે છે.
થલતેજ-વસ્ત્રાલ રુટ પર દરિયાપુર, શાહપુર અને કાલુપુર એમ કુલ ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. મેટ્રોનું ભાડું પાંચ રુપિયાથી શરુ થઈને ૨૫ રુપિયા સુધી રહેશે.
જાેકે, હજુ પણ કેટલીક જગ્યાએ મેટ્રો સ્ટેશન સુધી કનેક્ટિવિટીના પ્રશ્નો છે. જેમકે, કાલુપુર સ્ટેશન પર મેટ્રો ઉભી રહેશે, પરંતુ અહીંથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવા માટે કોઈ કનેક્ટિવિટી નથી. જાે કોઈ વ્યક્તિ લગેજ સાથે મેટ્રો સ્ટેશનેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માગે તો તેના માટે તે ઘણું મુશ્કેલ બની રહેશે.
આ સિવાય, મેટ્રો સ્ટેશન પર પાર્કિંગના પણ પ્રશ્ન છે. જાે કોઈ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરીને મેટ્રોમાં મુસાફરી કરવા માગે તો તે હાલ શક્ય બને તેમ નથી. વળી, મેટ્રો સ્ટેશનને આસપાસના વિસ્તાર સાથે જાેડવા માટે ઈ-રિક્ષા કે ફીડર બસો પણ હાલ તો શરુ નથી થયા. તે ક્યારે શરુ થશે તે પણ નક્કી નથી.
એક ટ્રેન જાે ચૂકી ગયા તો બીજી ટ્રેન છેક અડધો કલાકે આવશે, આ સમયગાળો પણ વધારે પડતો હોવાથી નોકરી-ધંધાવાળાને આટલી રાહ જાેવાનું પરવડશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનમાં ત્રણ કોચ લાગેલા હશે.
જેની ક્ષમતા વધારીને ૬ કોચની કરી શકાશે. સ્ટેશન પર પણ છ કોચની ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહી શકે તેવી વ્યવસ્થા છે. ૨૦૧૯માં મેટ્રોના વસ્ત્રાલથી એપરેલ પાર્કના રુટની શરુઆત થયા બાદ ત્રણ વર્ષથી પણ વધુના સમયગાળા પછી શહેરમાં મેટ્રો ટ્રેનનો બાકીનો રુટ ઓપરેશનલ બનવા જઈ રહ્યો છે. તેવામાં હજુય આ સર્વિસને લોકો પૂરી ક્ષમતાથી ઉપયોગ કરતા થાય તે માટે ઘણું કરવાનું બાકી છે.SS1MS