રાજ્યમંત્રીએ દેવગઢ બારીયા ખાતેની સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ
(પ્રતિનિધિ) દેવ.બારીઆ, દેવગઢ બારિયા નગરમાં આવેલ સ્વ.જયદીપસિંહજી રમત ગમત સંકુલ ખાતે દેવગઢ બારીયાના ધારાસભ્ય અને પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડેની અધ્યક્ષતામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ૭ વિધાનસભા બેઠકો ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમજ વિવિધ બાર રમતોમાં સ્પર્ધા યોજાશે.
દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતેથી ઉપસ્થિત ખેલાડીઓ-વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને સંબોધતા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રમત ગમત એ વિદ્યાર્થીઓના શારિરીક માનસિક વિકાસ માટે મહત્વનો હોય દરેક વિદ્યાર્થીઓએ રમત ગમતમાં ભાગ લેવો જાેઇએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમત ગમત ઉપર ખાસ ભાર મૂકયો છે. તેમણે ગુજરાત રાજ્યમાંથી જ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યમાં ખેલ મહાકુંભ થકી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. જે પ્રધાનમંત્રીશ્રીના દીધદ્રર્ષ્ટિપૂર્ણ વિઝનને આભારી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે એ માટે તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. પરિણામે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીનું ઉચિત સન્માન કરાય છે. અહીંના દેવગઢ બારીયાનું રમત ગમત સંકુલ થકી અનેક ખેલાડીઓને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ કરવા માટે પ્લેટફોર્મ મળ્યું છે.
રાજ્યમંત્રી શ્રી ખાબડે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને પગલે વિધાનસભાની સાત બેઠકો ખાતે યોજાનારી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કર્યું છે. ત્યારે આ સ્પર્ધામાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. અહીં દેવગઢ બારીયા ખાતેથી ૧૦૦૦ થી પણ વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે અને કુલ બાર રમતો જેમાં એથ્લેટીક્સ, કબડ્ડી, હોકી, આર્ચરી, રસ્સાખેંચ, વોલીબોલ, કરાટે, ક્રિકેટ, કુસ્તી, જુડો, સ્વિમિંગ, ખો-ખો સહિતની રમતો રમાશે. વિજેતા ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે.