પુત્રએ લીધેલા પૈસાએ પિતાને મોત આપ્યું
રાજકોટ, શહેરમાં વ્યાજખોરો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હિતેશ ગોહિલ નામના ૨૪ વર્ષીય યુવકે ૬ લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જે બાદ તેના દ્વારા તેના પરિવારને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હતો.
તેનાથી કંટાળીને હિતેશના પિતાએ આપઘાત કરી લીધો હતો. જે મામલે વિછીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ૪૩ વર્ષીય અશોક ગોહિલ દ્વારા રવિવારના રોજ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના કોટડા ગામની સીમમાં આવેલી પોતાની વાડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
સમગ્ર મામલે મૃતકના પુત્ર હિતેશ ગોહિલ દ્વારા વિછીયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ૩૦૬, ૫૦૬, ૧૧૪ તેમજ મની લેન્ડર્સ એક્ટ અંતર્ગત દેવા ખાંભલા, માત્રા હાડગરડા, ગોરા હાડગરડા, ધનજીભાઈ, સુરા વકાતર, રણછોડ ઉર્ફે હસો સાંબડ અને ગુણું સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૃતકના પુત્ર હિતેશ ગોહિલે ૬ આરોપીઓ પાસેથી ૧,૫૮,૦૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા તેમજ ગુણું નામના આરોપી પાસેથી ૧,૩૦,૦૦૦ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. ત્યારે વ્યાજે લીધેલા રૂપિયાની આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
આ સાથે જ હિતેશ ગોહિલ બહાર જતા રહેતા તે રૂપિયાની માંગણી તેના પિતા પાસેથી કરવામાં આવતી હતી. આ ઉપરાંત, વારંવાર મૃતકના ઘરે જઈ તેમજ વોટ્સએપ ફોન દ્વારા વ્યાજે લીધેલા રૂપિયાની માંગણી કરવામાં આવતી અને હાથ પગ કાપી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આથી પુત્રની ભૂલને કારણે પિતાને મરવા માટે મજબૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે જસદણ ગઢીયા રોડ ઉપર મેક્સ મેટલ નામની લોખંડની ફેક્ટરી ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.
દોઢ વર્ષ પૂર્વે પોતાને પૈસાની જરૂરિયાત પડતા જુદા જુદા વ્યક્તિઓ પાસેથી જુદા જુદા વ્યાજ દર પર કુલ ૧ કરોડ ૫૮ લાખ રૂપિયા જેટલી રકમ લીધી હતી.
આ ઉપરાંત, ગુણું નામના વ્યક્તિ પાસેથી ૧ લાખ ૩૦ હજાર રૂપિયા વ્યાજ પર લીધા હતા. તમામ વ્યક્તિઓને વ્યાજ પર લીધેલા પૈસા પરત આપી દીધા હોવા છતાં વ્યાજ સહિત પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી મૃતકનો પુત્ર હિતેશ ગોહિલ બે મહિનાથી બહાર જતો રહ્યો હતો.
આ દરમિયાન, ૯ માર્ચના રોજ હિતેશ ગોહિલને તેના પિતા અશોક ગોહિલે ફોન કરીને કહ્યું હતું કે, તું ક્યાં જતો રહ્યો છે? તમામ લોકો અવારનવાર પૈસાની ઉઘરાણી કરે છે તેમજ ધમકી આપીને કહે છે કે, તારા દીકરાને બોલાવી લેજે નહીંતર તારા હાથ પગ કાપી નાખીશું. ત્યારે ૧૦ માર્ચના રોજ હિતેશ ગોહિલને તેના પિતરાઈ રસીકે ફોન કરીને કહ્યું હતું કે, તારા માતા પિતાએ ઝેરી દવા પી લીધેલી છે.
જેમને સારવાર અર્થે જસદણની રામાણી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. જેથી તાત્કાલિક હિતેશ ગોહિલ પોતાના ઘરે લુણાવાડાથી પરત આવ્યો હતો.
ત્યારે પોતાના પિતા અશોક ગોહિલના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, જય માતાજી વિશેષ જણાવવાનું કે, મારે દવા પીવાનું કારણ મારા દીકરાએ પૈસા લીધા છે. દેવાભાઈ ગરાભડી સહિતના વ્યક્તિઓના નામ લખી તમામને સજા થવી જોઈએ.
સાહેબ આ બધાય પૈસા માગે છે, એટલે અમે અંતિમ પગલું ભરીએ છીએ તે હું ચિઠ્ઠીમાં લખું છું. આ ઘટનામાં સારવાર દરમિયાન અશોક ગોહિલનું મૃત્યુ નીપજ્યું છે.SS1MS