Western Times News

Gujarati News

સમાજના ડરથી નવજાત દીકરીને તરછોડીને જતી રહી માતા

અમદાવાદ, ગત રવિવારના રોજ બપોરના સમયે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક રહેણાંક અપાર્ટમેન્ટની સીડીઓ પર નવજાત બાળકી મળી આવી હતી.

પોલીસે આ તરછોડી દેવામાં આવેલી બાળકીની માતાને શોધી કાઢી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ૩૫ વર્ષીય મહિલા જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે તેણે સમાજના ડરથી આ પગલું ભર્યુ હતું. મહિલાને ડર હતો કે, બાળકીના પિતાએ તેની સાથે લગ્ન કરવાથી ઈનકાર કરી લીધો છે, તો સમાજ તેને સ્વીકારશે કે કેમ. પોલીસ બાળકીના પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરશે.

આરોપીની ઓળખ આશુતોષ સોલંકી તરીકે થઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર જે.વી. રાઠોડ જણાવે છે કે, શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી એક મિઠાઈની દુકાનમાં આ મહિલા અને આરોપી આશુતોષ સોલંકી સાથે કામ કરતા હતા. અહીં તેમની એકબીજા સાથે ઓળખ થઈ અને પછી તેમનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યુ હતું.

પરંતુ જ્યારે મહિલા ગર્ભવતી હોવાની જાણ આરોપીને થઈ તો તેણે લગ્નથી ઈનકાર કરી દીધો અને તેને તરછોડી દીધી. મહાલક્ષ્મીનગરના બ્લોક એમાં પહેલા માળની સીડી પર પોલીસને નવજાત બાળકી મળી આવી હતી. પોલીસ જણાવે છે કે, એક રિસાયકલ મટિરિયલમાંથી બનેલી બેગમાં તેને મૂકવામાં આવી હતી. બાળકી જીવિત હતી માટે અમે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધી હતી.

અને પછી તેની માતાને શોધવાની શરુઆત કરી હતી. પોલીસને જાણકારી મળી કે તે વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે એક મહિલા હાથમાં બાળક સાથે ૧૦૮માંથી ઉતરતી જાેવા મળી હતી. ઈન્સ્પેક્ટર જણાવે છે કે, અમને જાણવા મળ્યું કે તે મહિલાએ ૧૫મી ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

મહિલા પાસે કોઈ દસ્તાવેજ પણ નથી. રવિવારના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે મોકલવામાં આવી હતી. પોલીસે મહિલાને શોધી કાઢી.

સોમવારના રોજ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, અગાઉ તેના છૂટાછેડા થઈ ગયા છે. તેણે જ પોલીસને જણાવ્યું કે આરોપી સાથે તેની મુલાકાત કેવી રીતે થઈ હતી. આશુતોષ સોલંકીએ તેને લગ્નનું વચન આપ્યુ હતું. પરંતુ જ્યારે તે ગર્ભવતી થઈ તો આરોપી પોતાની વાત પરથી ફરી ગયો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. માટે તેણી બાળકને તરછોડવા મજબૂર બની હતી. આરોપી આશુતોષ સોલંકી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.