મ્યુનિ. કોર્પો.ને યુઝર્સ અને એન્વાયરમેન્ટ ચાર્જ પેટે દર વર્ષે રૂ.૧૦૦ કરોડ કરતા વધુ આવક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશનના સ્વચ્છતા સર્વેક્ષણની શરતો અનુસાર નાગરિકો પાસેથી યુઝર્સ ચાર્જ લેવામાં આવે છે. આ યુઝર્સ ચાર્જ ડોર ટુ ડોર કચરા એકત્રિકરણ તેમજ અન્ય સેવાઓ માટે વસુલ કરવામાં આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે સરેરાશ ૮૦ કરોડ રૂપિયા યુઝર્સ ચાર્જ નાગરિકો પાસેથી એકત્ર કરવામાં આવે છે. જોકે કોમર્શિયલ મિલકતો પાસેથી લેવામાં આવતા યુઝર્સ ચાર્જમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષના બીલમાં જ યુઝર્સ ચાર્જ વસુલ કરવામાં આવે છે જેમાં રહેણાંક મિલકત દીઠ દૈનિક રૂ.૧ અને કોમર્શિયલ મિલકત દીઠ દૈનિક રૂ.ર લેખે સફાઈ બાબતો ચાર્જ લેવામાં આવે છે. કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી જે યુઝર્સ ચાર્જ લેવામાં આવે છે તેની ગણતરી સામાન્ય રીતે ગળે ઉતરે તેમ નથી. કારણ કે એક નાનકડી દુકાનના માલિક પાસેથી રોજ બે રૂપિયા લેખે સફાઈ ચાર્જ વસુલ થાય છે
જયારે બીજી તરફ ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટલો પાસેથી રૂ.ર મુજબ જ યુઝર્સ ચાર્જ વસુલ કરવામાં આવે છે તેથી મોટા કોમર્શિયલ એકમો પાસેથી જો વજન મુજબ યોગ્ય ગણતરી કરીને યુઝર્સ ચાર્જ લેવામાં આવે તો કોર્પોરેશનની આવક વધારો થઈ શકે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાણાંકિય વર્ષ ર૦ર૩-ર૪થી એન્વાયરમેન્ટ ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહયો છે. જેમાં ર૦ર૩-ર૪માં એન્વાયર ચાર્જ પેટે રૂ.ર૭.૬ર કરોડ અને ર૦ર૪-રપમાં રૂ.૩૩.૬૧ કરોડ નાગરિકો પાસેથી વસુલ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. સત્તાધીશો દ્વારા સીધી રીતે ટેક્ષ વધારો કરવામાં આવતો નથી પરંતુ એન્વાયરમેન્ટ જેવા ચાર્જ નાંખીને આડકતરી રીતે કોર્પોરેશનની તિજોરી ભરવામાં આવી રહી છે. તેવી જ રીતે પૂર્વ કમિશનરે દર વર્ષે ટેક્ષમાં ર ટકાનો વધારો કર્યો છે તેના કારણે પણ પ્રોપર્ટી ટેક્ષની આવકમાં વધારો થઈ રહયો છે.