મ્યુનિસિપલ કોર્પોરેશને 500 કરતા વધુ વૃક્ષ કાપનાર બે જાહેરાત એજન્સીઓને રૂ.એક કરોડ નો દંડ કર્યો.
ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા (બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી અને જાહેર ખબરના ટેન્ડર માટે જે શરતોનો ભંગ કર્યો છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે લાખોની સંખ્યામાં વૃક્ષો લગાવવામાં આવે છે. જયારે બીજી તરફ કેટલાક લોકો પરવાનગી વિના અને બિનજરૂરી કારણોસર મોટા વૃક્ષ કાપી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાન પર આવા બનાવ આવે તો તાકીદે કાયદેસર અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ ઘ્વારા જે કંપનીઓને હોર્ડિંગ્સ જાહેરાત માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેવી બે કંપનીઓ ઘ્વારા પરવાનગી વિના 500 કરતા વધુ વૃક્ષ કાપવામાં આવતા બંને એજન્સીઓને 50-50 લાખ મળી કુલ રૂ.એક કરોડનો દંડ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ રોડ પર ડીવાઈડરની વચ્ચે સેન્ટ્રલ વર્જની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ડિવાઈડરની વચ્ચે લગાવેલા થાંભલા પર જાહેરાત માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
તે એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઇવે પર વાયએમસીએ ક્લબથી કાકે દા ઢાબા, એલ જે કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદથી સનાથળ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી 18 એપાર્ટમેન્ટ સુધીની રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.
જ્યારે ચિત્રા(બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલાબ્રિજથી શુકન મોલ અને નારણપુરા અંકુર ચાર રસ્તાથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે. જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે. પટેલે જણાવ્યું હતું કે, ગાર્ડન વિભાગ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે બે જાહેરખબર એજન્સીઓ દ્વારા ટ્રીમિંગ કરવાના નામે ઝાડને કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે બંને એજન્સીઓ સામે અમે કાર્યવાહી કરી છે.
2000 જેટલા છોડ તેઓએ જ્યાં પણ પ્લાન્ટેશન કરવામાં આવશે ત્યાં તેમના ખર્ચે કરવાના રહેશે અને બે વર્ષ સુધી તેઓને ખર્ચ ભોગવવાનો રહેશે. શહેરમાં ચાલુ વરસે ગરમીએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે જેનાથી રક્ષણ મેળવવા માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે
ત્યારે ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા (બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી અને જાહેર ખબરના ટેન્ડર માટે જે શરતોનો ભંગ કર્યો છે. જેને લઇ બંને એજન્સીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનને એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.