વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં AMC પ્રથમ વખત ZLD ટેકનોલોજીનો ઉપયોગ કરી વાર્ષિક 7 કરોડની બચત કરશે
નવી ટેકનોલોજીના કારણે કોતરપુર પ્લાન્ટમાં વાર્ષિક રૂ.૭ કરોડનો ફાયદો થશે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાે.દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પાે.દ્વારા તૈયાર કરવામાં આવેલ કોતરપુર, જાસપુર અને રાસકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદા પાણી ટ્રીટ કરી નાગરિકો સપ્લાય કરે છે.
શહેરની હાલની તથા ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં લઈ મનપા દ્વારા અમૃત ૨.૦ યોજના અંતર્ગત કોતરપુર વોટર વર્કસની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ પ્રથમ વખત ઝેડ.એલ.ડી. ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે મ્યુનિ.કોર્પાે.ને વર્ષે રૂ.૭ કરોડનો ફાયદો થશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટના હાલ દૈનિક ૧૧૫૦ એમ.એલ.ડી. પાણી ટ્રીટ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ દરમ્યાન સ્લજરીમુવર, ફિલ્ટર બેકવોશ તથા અન્ય કામગીરી માટે આશરે ૪ ટકા પાણીનું ઉપયોગ થાય છે. આ પાણીમાં સ્લજનું પ્રમાણ વધુ હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી. તેથી આ જથ્થો બેકવોશ ડ્રેઈન મારફતે નદીમાં જાય છે. જેના કારણે કોર્પાેરેશનને નુકસાન થઈ રહ્યું છે.
ઝેડ.એલ.ડી. ટેકનોલોજી (ZLD Technology) શું છે તે વિષે જાણીએ?
મ્યુનિ.કોર્પાે. દ્વારા દૈનિક ૪ ટકા પાણીની બચત માટે પ્રથમ વખત ઝેડ.એલ.ડી. ટેકનોલોજીનો પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાં બેકવોશ વોટર રીસાઈકલ કરી ઈનલેટમાં લેવામાં આવશે. ત્યારબાદ તેને ટ્રીટ કરી ફરીથી રો વોટર તરીકે ઉપયોગ કરી શકાશે. આ ટેકનોલોજીથી ટર્બિડીટી દૂર કરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો-વોટરને ટ્રીટ કરી સપ્લાય કરવામાં આવશે. જેના કારણે દૈનિક આશરે ૪૦ ટકા એમ.એલ.ડી. જેટલો જથ્થાનો રી-યુઝ થઈ શકશે. જેની કિંમત ચૂકવવાની થશે નહીં. તેથી તંત્રને આશરે ૭ કરોડની બચત થશે.
અમદાવાદ શહેરની હાલની તથા અમદાવાદ શહેરની ભવિષ્યની ડિમાન્ડને લઈ તમામ વોટર ડિસ્ટ્રીબ્યુટર સ્ટેશનની સ્થિતિ જોતાં ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવો જરૂરી બન્યો છે. તેથી, કોતરપુર વોટર વર્કસમાં ૪૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો પ્લાન્ટ બનાવવાથી ભવિષ્યમાં વદ્ય થનાર આશરે ૨૨ લાખ વસ્તીને શુદ્ધ પાણી સપ્લાય થઈ શકશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સદર ટેકનોલોજીનો ઉપયોગ એસટીપી પ્લાન્ટમાં કરવા તાકીદ કરી છે. પરંતુ, એસટીપી વિભાગના ઉચ્ચ અધિકારી આ મામલે નિષ્ક્રિય સાબિત થયા છે. જ્યારે વોટર પ્રોજેક્ટના અધિકારીઓએ નદીને પ્રદૂષિત થતી બચાવવાની સાથે સાથે કોર્પાેરેશનને આર્થિક ફાયદો પણ કરાવી આપશે.