મૈત્રી કરારમાં રહેતી પ્રેમિકાના હાથે પ્રેમીની હત્યા
ભાવનગર, ભાવનગર જિલ્લાના ભાલપંથક વિસ્તારમાં આવેલ કાળાતળાવ ગામ નજીક આવેલી નિરમા ફેક્ટરીના પ્રવેશ દ્વારે મૈત્રીકરાર કરી સાથે રહેતી યુવતીએ તેના પ્રેમીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં પોલીસે હત્યારી પ્રેમિકાની વેળાવદર ભાલ પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સિહોર તાલુકાના ગુંદાળા ગામનો વિપુલ ચંદુલાલ ચાવડા થોડા વર્ષોથી કાળાતળાવ ગામ નજીક આવેલી નિરમા ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને આ યુવાનને ભાલપંથકમાં આવેલા નર્મદ ગામની ડિવોર્સી (છૂટાછેડા) સોનલ ઉર્ફે સોની દિલીપ સોલંકી સાથે પરિચય થતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને આજથી પાંચ વર્ષ પહેલાં બન્ને મૌખિક મૈત્રીકરાર કરી નિરમા ફેક્ટરી પાસે જ ઝુંપડુ બાંધી સાથે રહેતા હતા.
આ દરમિયાન બંને પ્રેમી વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડા થતા હોતા. જેમાં વિપુલ સોનલને મારકૂટ કરી પૈસા માંગતો હતો, સોનલ ખાડીમાં માછીમારી કરી ઘર સંસાર ચલાવતી હતી. આજ રોજ પ્રેમી-પ્રેમીકા વચ્ચે પૈસા મામલે ઉગ્ર ઝઘડો થતા આવેશમાં આવી સોનલે છરી વડે વિપુલની છાતીમાં એક ઘા ઝીંકી દેતા વિપુલ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.
આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે દરમિયાન ૧૦૮ પણ આવી પહોંચતા મેડિકલ સ્ટાફે વિપુલને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસે લાશનો કબ્જાે લઈ પંચનામું કરી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હત્યારી પ્રેમિકા સોનલને પણ નજીકના વિસ્તારમાંથી જ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.SS1SS