‘તુમ હી હો’ મ્યુઝિકલ લવ સ્ટોરીનું શૂટ ઉત્તરાખંડમાં થશે
સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલી વખત સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં એકસાથે કામ કરતાં જોવા મળશે-ભણસાલીની સિદ્ધાંત અને મૃણાલ સાથેની ફિલ્મનું નામ ‘તુમ હી હો’
મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલી વખત સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં એકસાથે કામ કરતાં જોવા મળશે. આ એક મ્યુઝિકલ લવ સ્ટોરી છે, જેનું નામ હવે નક્કી થઈ ગયું છે.
ફિલ્મ સાથે જોડાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર,“આ ફિલ્મ એક લવસ્ટોરી છે અને મેકર્સ દ્વારા તેને ‘તુમ હી હો’ નામ આપવામાં આવ્યું છે. ૨૦૧૩ની જાણીતી લવ સ્ટોરી ફિલ્મ ‘આશિકી ૨’ પરથી આ નામ લેવામાં આવ્યું છે.” સૂત્ર દ્વારા આગળ જણાવવામાં આવ્યું,“ફિલ્મની ટીમ સપ્ટેમ્બરના એન્ડમાં ઉત્તરાખંડ જઈ રહી છે અને ઓક્ટોબરમાં આગામી શીડ્યુલ માટે ત્યાં જ રોકાશે.
સિદ્ધાંત અને મૃણાલ પણ બાકીના કલાકારો સાથે ત્યાં પહોંચશે.” આ ફિલ્મ રવિ ઉદ્યાવર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને મે મહિનાથી તેનું શૂટ શરૂ થયું છે. આ ફિલ્મમાં સિદ્ધાંત અને મૃણાલ બંને સંગીતકારોની ભૂમિકામાં જોવા મળશે. તે બંનેની એક ઉતકૃષ્ટ ગીતો ધરાવતી કન્ટેમ્પરરી લવ સ્ટોરી હશે. સિદ્ધાંત હાલ તેની આગામી ફિલ્મ ‘યોધરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યાર બાદ તે ‘ધડક ૨’નું કામ પૂરું કરશે.
તેમાં તે તૃપ્તિ ડિમરી સાથે કામ કરી રહ્યો છે, આ ફિલ્મ આ વર્ષના અંતે રિલીઝ થશે. જ્યારે મૃણાલ અજય દેવગન સાથે ‘સન ઓફ સરદાર’ અને ડેવિડ ધવન તેમજ વરુણ ધવનની ફિલ્મમાં કામ કરી રહી છે.