મુસ્લિમ પર્સનલ લો બોર્ડ “યુનિફોર્મ સિવિલ કોડ” મુદ્દે પોતાનો ડ્રાફ્ટ લો કમિશનને આપશે
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ લગભગ ૩ કલાક ચાલી.
મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન બોર્ડ સાથે જાેડાયેલા વકીલોએ પણ પોતાનો મત મૂક્યો. મીટિંગમાં ર્નિણય લેવાયો કે બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે. જે બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે જાેડાયેલા લોકો લો કમિશનના અધ્યક્ષને મળવાનો સમય માંગશે.
આ દરમિયાન બોર્ડ પોતાનો ડ્રાફ્ટ લો કમિશનને આપશે. શરીયતના જરૂરી ભાગોનો આ ડ્રાફ્ટમાં ઉલ્લેખ હશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જ ચર્ચા કરવામાં આવી. વિપક્ષને પણ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વિનંતી કરવામાં આવશે.
પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનાર પર કટાક્ષ કરતા કહ્યુ કે તે લોકો પોતાના હિત માટે અમુક લોકોને ભડકાવી રહ્યા છે. સમાન નાગરિક સંહિતાનો અર્થ છે દેશના તમામ નાગરિક માટે એક સમાન કાયદો હોવો, જે ધર્મ પર આધારિત ન હોય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં બીજેપી બૂથ કાર્યકરોને સંબોધિત કરતી વખતે સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકની રાજનીતિ માટે તેનો વિરોધ કરી રહ્યા છે.
છેવટે, એક પરિવારમાં બે કાયદા કેવી રીતે હોઈ શકે? તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પોતે સમાન નાગરિક સંહિતા લાવવાની વાત કરી રહી છે. આ પછી પણ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પીએમે તેમના ભાષણ દરમિયાન પસમંદા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે વર્ષોથી તેમનું શોષણ થઈ રહ્યું છે.