દિલ્હીમાં મુખ્યમંત્રીનું નામ બે દિવસમાં જાહેર કરાશે

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે. ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતિ છતાં હજી સુધી મુખ્યમંત્રીના નામ અંગેનું સસ્પેન્સ યથાવત રહ્યું છે.
દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આપેલાં સંકેતો અનુસાર, દિલ્હીની કમાન કોને સોંપાશે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. એક સવાલના જવાબમાં સચદેવાએ જણાવ્યું હતું કે, અમે એકાદ- બે દિવસમાં તમને સારા સમાચાર આપીશું.
નવા મુખ્યમંત્રીની પસંદગી પહેલાં, ભાજપ વિધાનસભા પક્ષની બેઠકની અધ્યક્ષતા માટે ઓછામાં ઓછામાં બે કેન્દ્રીય નિરીક્ષકની નિમણૂક કરાશે જે ગૃહના નેતાની પસંદગી કરશે.સરકાર રચવામાં વધુ પડતો વિલંબ થઈ રહ્યો હોવાની વાતને ફગાવતાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આ કવાયતમાં ૭-૮ દિવસ થઈ જતાં હોય છે.
મારા મતે આ મામલે કોઈ વિલંબ નથી થયો. નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવાના સચદેવાના ઈનકારથી, નવી સરકારની રચનાનો શપથ ગ્રહણ કાર્યક્રમ ૧૯ ફેબ્રુઆરીએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાવાની દિલ્હી ભાજપમાં ચાલતી અટકળોને વેગ મળ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશન(એમસીડી)ના આપના ત્રણ કાઉન્સિલર ભાજપમાં જોડાઈ ગયાં હતાં. દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાની હાજરીમાં આપના અનિતા બસોયા, નિખિલ ચપ્રાણા તથા ધર્મવીર ભાજપમાં જોડાયાં હતાં. આ ત્રણ સભ્યો જોડાતાં દિલ્હી મ્યુ. કોર્પાેરેશનમાં ભાજપના કાઉન્સિલર્સની સંખ્યા વધીને ૧૧૩ થઈ છે, જેને પરિણામે કોર્પાેરેશનમાં પણ આપને ખદેડી ભાજપ સત્તામાં આવે તેવી શક્યતા છે.
દિલ્હી મ્યુ. કોર્પાેરેશનમાં કુલ ૨૫૦ બેઠકો છે. જેમાંથી આપના કાઉન્સિલર્સની સંખ્યા ૧૨૧ છે. આ પૈકીના ત્રણ વિધાનસભામાં ચૂંટાતા હાલ તેની પાસે ૧૧૮ બેઠકો છે. તેમાંથી ત્રણ શનિવારે ભાજપમાં જોડાતાં હવે તેની સભ્ય સંખ્યા ઘટીને ૧૧૫ રહી છે.SS1MS