Western Times News

Gujarati News

ક્રિકેટ સટ્ટામાં આ ધારાસભ્યના ભાઈનું નામ ખુલ્યુંઃ વહેવારોનો આંક ર૪ કરોડથી વધી શકે

બુકીઓના મોબાઈલ એફએસએલમાં મોકલાશેઃ વહેવારોનો આંક ર૪ કરોડથી વધી શકે

રાજકોટના ક્રિકેટ સટ્ટામાં ધારાસભ્યના ભાઈ અને લોધિકા સંઘના પૂર્વ પ્રમુખનાં નામ ખૂલ્યાં

રાજકોટ, રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ક્રિકેટના સટ્ટાના રેકેટમાં ફરાર બુકી પી.એમ. આંગડીયાવાળા તેજસ રાજુ રાજદેવ નિરવ દીપક પોપ અને તેના ભાઈ અમીત ઉર્ફે મોન્ટુનો આજે છઠ્ઠા દિવસે પત્તો લાગ્યો નથી.બીજી તરફ ગત મંગળવારે ઝડપાયેલા ત્રણ બુકી સુકેતુ ભુતા ભાવેશ ખખ્ખર અને નિશાંત ચગ હવે જામીન પર છુટી ગયા છે.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં બુકીઓમાં વાંકાનેરમાં ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીના ભાઈ રાજુ સોમાણી, રાજકોટ લોધીકા, સંઘના પુર્વ પ્રમુખ મહેશ આસોદરીયાનું નામ પણ ખુલ્યું છે. એપ્રિલ-ર૦રરમાં પણ મહેશ અસોદરીયાનું નામ ક્રિકેટ સટ્ટામાં ખુલવા પામ્યું હતું ત્યારે ભાજપ દ્વારા તેમની પાસેથી પક્ષના હોદા પરથી રાજીનામું માગી લેવામાં આવ્યું હતું.

માહિતી મુજબ સટ્ટાની વહેવારોમાં અત્યારસુધીની તપાસમાં ર૪ કરોડનો આંક સામે આવ્યો છે. જે આગળની તપાસમાં હજુ પણ વધે તેવી શકયતા ક્રાઈમ બ્રાન્ચે દર્શાવી છે. ઝડપાયેલા બુકીઓ સુકેતુ ભાવેશ અને નિશાંતના કબજે થયેલા મોબાઈલ ફોન ગાંધીનગર સ્થિત એફએસએલની સાયયબર લેબમાં મોકલી આપવા ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે.

આ ત્રણેય મોબાઈલ ફોનમાં રહેલી ટેકનીકલ માહિતી મેળવવા માટે તેને સાયબર લેબમાં મોકલવામાં આવશે. જે વેબસાઈટનો ઉપયોગ થતો હતો તેનું આઈ.જી. એડ્રેસ કયાંનું છે? તે સહીતની ટેકનીકલ માહિતી સાયબર લેબ પાસેથી મંગાવવામાં આવશે. જેને બાદમાં કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરવામાં આવશે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચની તપાસમાં ૩ બુકીઓ પાસેથી ત્રણ માસ્ટર આઈ.ડી. મળી આવી હતી. ક્રાઈમ બ્રાચ્ના એસી.બી. ભરત બસીયાના સુપરવીઝન હેઠળ પી.આઈ. બી.ટી. ગોહીલે કરીલી તપાસમાં ક્રિકેટના સટ્ટાનાં ર૪ કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. જયારે ગુજરાતભરના ર૪ બુકી અને પંટરોના નામો ખુલ્યા હતા. આ તમામ હાલ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી ભુર્ગભમાં ઉતરી ગયા છે. જેમાં વાંકાનેર ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીના ભાઈ રાજુ સોમાણીનું પણ નામ ખુલવા પામ્યું છે.

જયારે તેની સાથે રાજકોટ લોધીકા સંઘના પુર્વ પ્રમુખ મહેશ આસોદરીયાનું પણ નામ ખુલવા પામ્યું છે. જોકે આ ઉપરાંત પણ અન્ય બુકીઓ પંટરો પણ રાજકીય લગભગ ધરાવતા હોવાથી રાજકીય આગેવાનો પણ આ કેસને દબાવવા અને વધુ નામ ન ખોલવા દબાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.