Western Times News

Gujarati News

માતાઓની ડિલિવરી પછીની સંભાળ માટે એક પ્રમાણભૂત પ્રોટોકોલ સેટ કરવાની જરૂરિયાત

રાજ્યની તમામ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે  પૂરી પાડવા માટે સરકાર હંમેશા તત્પર : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં  રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ખાતે  ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૂચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી  છે. ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે હંમેશા તત્પર છે. આજે બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજોએ પણ આ અંગે જાગૃતિ લાવવા માટે જોડાવું પડશે, તેમ મંત્રીશ્રી કહ્યું હતું.

આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી.

આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, કિશોરોમાં પ્રજનન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને એનિમિયાને અટકાવવા માટે કિશોર આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવવા જોઈએ. મંત્રીશ્રીએ એનિમિયા અને કુપોષણનો કુદરતી રીતે સામનો કરવા માટે CHCs, PHCs અને AAM (આયુષ્યમાન આરોગ્ય મંદિર) કેન્દ્રો પર સરગવાના વૃક્ષો વાવવાની ભલામણ કરી હતી

તેમજ સ્વ-સહાય જૂથો-SHGsને એનિમિયા જાગૃતિ કાર્યક્રમોના આયોજન માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં લોહીની અછતને દૂર કરવા માટે દરેક જિલ્લાને લોહી સંગ્રહ માટે લક્ષ્યાંકો આપવા જોઈએ જેથી પૂરતો પુરવઠો સુનિશ્ચિત થાય તેમજ ખાનગી બ્લડ બેંકો સાથે સહયોગ મજબૂત બનાવવો જોઈએ અને ખાનગી સંસ્થાઓને સ્વૈચ્છિક રક્તદાન વધારવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કિશોરોમાં એનિમિયાને અટકાવવા માટે આયર્ન અને ફોલિક એસિડ ગોળીઓનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરવા જોઈએ. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સએ માત્ર એનિમિયા અને કુપોષણનું નિદાન જ ન કરવું જોઈએ, પરંતુ વિવિધ ક્ષેત્રની મુલાકાત દરમિયાન તાત્કાલિક સારવાર પણ આપવી જોઈએ. તેમણે માતાઓની ડિલિવરી પછીની સંભાળ માટે એક પ્રમાણભૂત પ્રોટોકોલ સેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અર્બન હેલ્થ કમિશ્નર શ્રી હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નર શ્રી રતનકંવરબા ગઢવી, કમિશ્નરશ્રી-આઈસીડીએસ, રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી-સમગ્ર શિક્ષા સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.