3 કરોડના ખર્ચે તૈયાર થશે દહેગામ તાલુકા પંચાયતનું નવું ભવન
દહેગામ તાલુકા પંચાયતનું ભવન પણ ૩૯૦૦ ચો.મીટરમાં અંદાજે રૂ. ૩ કરોડ ૧૦ લાખના ખર્ચે આકાર પામશે
પાટનગર ગાંધીનગર જિલ્લાનું આ નવું પંચાયત ભવન ૭૬૯૫ ચોરસમીટરની વિશાળ જગ્યામાં નિર્માણ થવાનું છે
Ø જનસેવા અને ગુડગર્વન્સની વડાપ્રઘાનશ્રીએ વિકસાવેલી નવતર પરંપરામાં પર્યાવરણ સાથે સંતુલિત જીવન શૈલી – પ્રાકૃતિક ખેતીથી સ્વસ્થ આરોગ્ય પ્રદ જીવન જેવા હોલિસ્ટીક ડેવલપમેન્ટનો ઘ્યેય રાખ્યો છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ગ્રામીણ સ્તર થી લઇને જિલ્લા અને શહેરો સહિતના વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનિતીનો નવો ઇતિહાસ રચ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જનસેવા અને સુશાસનની જે નવતર પરંપરા વડાપ્રઘાનશ્રીએ વિકસાવી છે તેમાં લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃધ્ધિ, પર્યાવરણ સાથે સંતુલન જાળવતી મિશન લાઇફ જીવન શૈલી અને પ્રાકૃતિક ખેતી દ્વારા તંદુરસ્ત જનજીવન જેવા હોલીસ્ટીક ડેવલપમેન્ટને તેમણે અગ્રતા આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા નિર્માણ થનારા અદ્યતન ભવન તથા દહેગામ તાલુકા પંચાયત ભવનના ભૂમિપૂજન સામારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
પાટનગર ગાંધીનગર જિલ્લાનું આ નવું પંચાયત ભવન ૭૬૯૫ ચોરસમીટરની વિશાળ જગ્યામાં નિર્માણ થવાનું છે. એટલું જ નહિં, દહેગામ તાલુકા પંચાયતનું ભવન પણ ૩૯૦૦ ચો.મીટરમાં અંદાજે રૂ. ૩ કરોડ ૧૦ લાખના ખર્ચે આકાર પામશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટલે જણાવ્યું કે, વિકાસ કેવો હોય અને વિકાસ કોને કહેવાય તે આજે દેશ અને દુનિયાના લોકો વડાપ્રઘાનશ્રીની વિઝનરી લીડર શીપમાં અનુભવી રહ્યા છે.
ભારતને જી- ૨૦ ની યજમાનીનું ગૌરવ અપાવનાર વિશ્વનેતા વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના જ નહિ, વિશ્વના અનેક રાષ્ટ્રોના લોકોને પણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્વગુરૂ બનશે જ, એમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, વડાપ્રઘાનશ્રીએ ડિજીટાઇઝેશન જેવી પેપરલેસ, ઇફેકટીવ ગર્વનન્સ માટે જે પ્રેરણા આપી છે તેને રાજય સરકાર અધતન સુવિઘા સભર પંચાયત ભવનોથી સાકાર કરવા સંકલ્પ બધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે, નવા નિર્માણ થનારા આવા ભવનોમાં સોલાર પેનલ સુવિઘાઓ થી વીજ બચત, વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇનવોટર હાર્વેસ્ટીંગ, દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સમયાનુકુલ સુવિઘાઓ આપવામાં આવી રહી છે.
આવા ભવનો લોકહિત અને જનસેવાના પ્રવૃત્તિ કેન્દ્રો બને તેવી આપણી નેમ છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રીના માર્ગદર્શનમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રઘાનશ્રીનો સંકલ્પ છે. ’ ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે અગ્રેસર છે, ત્યારે અમૃતકાળમાં લોકોની સુખાકારી- સુવિધાઓમા પણ ઉત્તરોત્તર વૃધ્ધિ કરીને વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ ’ એવું પ્રેરક આહવાન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કર્યું હતું.
પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, રાષ્ટ્રનાં વિકાસનો ખરો આધાર ગ્રામ્ય વિકાસ પર રહેલો છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મકાનોનું સુવિધાયુકત આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને ભવનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જ્યાં નાગરિકોને સરકારી સેવાઓ ડિજિટલી પૂરી પડાશે.
મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લાના ૪૯ ગ્રામ પંચાયતના મકાનો અદ્યતન કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જે પૈકી ૩૭ મકાનો તૈયાર થઈ ગયા છે અને ૧૨ મકાનોનું કાર્ય પ્રગતિ હેઠળ છે. પંચાયતના કર્મચારીઓ પોતાના વતનમાં રહીને જનસેવા કરી શકે તે માટે તેઓની જિલ્લા ફેર બદલી પણ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના નાગરિકોનાં સુખાકારી કામોને ઝડપથી કરવા માટે પંચાયતના મહેકમમાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના ભવનને ૪૨ વર્ષ થઈ ગયા છે. ગાંધીનગરના જિલ્લાના વિકાસ કામોની ગતિને તેજ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતને ૭૬૯૫ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. દહેગામ તાલુકા પંચાયત કચેરીનું નવું અદ્યતન ભવન રૂપિયા ૩ કરોડના ખર્ચે તૈયાર થશે.
આ પ્રસંગે ગાંધીનગર ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અને શ્રી અલ્પેશભાઈ ઠાકોર, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ સહિત ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.